રાજસ્થાનઃ ગુર્જર સહિત 5 અતિ પછાત જાતિઓને 5 ટકા અનામતનું બિલ પસાર
ગુર્જર આંદોલનકારીઓ દ્વારા 6 દિવસ સુધી પાટા પર આંદોલન ચલાવાયા બાદ સરકારે અન્ય પછાત વર્ગ અનામત સંશોધન ખરડો 2019 પસાર કર્યો છે
જયપુરઃ રાજસ્થાન સરકારે બુધવારે ઓબીસી અનામત સંશોધન ખરડો વિધાનસભામાં પસાર કરી લીધો છે. સરકાર અને વિરોધ પક્ષના સભ્યોએ ધ્વનિમત સાથે આ ખરડાને કાયદાનું સ્વરૂપ આપ્યું હતું. હવે ગુર્જર સહિત પાંચ અન્ય પછાત વર્ગને અલગથી 5 ટકા અનામતનો માર્ગ મોકળો થઈ ગયો છે. આ સાથે જ સરકારે અતિ પછાત વર્ગને અનામતની જોગવાઈઓને બંધારણની 9મી અનુસૂચીમાં સામેલ કરવાનો સંકલ્પ પણ વિધાનસભામાં પસાર કરાવ્યો છે.
ગુર્જર આંદોલનકારીઓ દ્વારા 6 દિવસ સુધી રેલવેના પાટા પર આંદોલન ચલાવાયા બાદ સરકારે અન્ય પછાત વર્ગ અનામત સંશોધન ખરડો 2019 વિધાનસભામાં ધ્વનિમત સાથે પસાર કરાવી લીધો છે. પ્રભારી મંત્રી બી.ડી. કલ્લાએ જ્યારે ગૃહમાં આ બિલ રજૂ કર્યું ત્યારે વિરોધ પક્ષ દ્વારા તેની સામે સવાલ ઉઠાવાયા હતા. વિરોધ પક્ષના નેતા ગુલાબચંદ કટારિયાએ સમગ્ર પ્રક્રિયા અને કવાયતને ઔચિત્યહીન જણાવી હતી. તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી બંધારણમાં સંશોધન તશે નહીં ત્યાં સુધી ગુર્જરો સહિત અન્ય પાંચ અતિ પછાત જાતિઓને અનામતનો ફાયદો મળવાનો નથી. જો, તે 50 ટકાના અંદર હશે તો યોગ્ય છે, નહીંતર 50 ટકાથી ઉપરની અનામત પરથી અદાલતી કાર્યવાહીમાં ફસાઈ જશે.
લોકસભા ચૂંટણી 2019 : ગુજરાતની 26 બેઠકો, કોણ મારશે બાજી?
તેનો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે જણાવ્યું કે, સરકારે કાયદાના નિષ્ણાતો ઉપરાંત જુદા-જુદા પક્ષકારો સાથે ચર્ચા કર્યા બાદ આ બિલ તૈયાર કર્યું છે. આ બિલની જોગવાઈઓને બંધારણની 9મી અનુસૂચીમાં સામેલ કરવાનો સંકલ્પ પણ ગૃહે પસાર કર્યો છે. જરૂર જણાશે તો કેન્દ્રમાં ભાજપના નેતાઓ સાથે પણ આ મુદ્દે ચર્ચા કરાશે. સચિન પાઈલટે જણાવ્યું કે, જો આર્થિક પછાત વર્ગ માટે બંધારણ સંશોધન બિલ લાવી શકાય છે તો હવે અતિ પછાત વર્ગના અનામત માટે પણ બંધારણ સંશોધન બિલ લાવી શકાય છે.
અનામત સંશોધન બિલ પસાર થયા બાદ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે સવાઈ માધોપુરમાં પાટા પર બેસેલા ગુર્જર આંદોલનકારીઓને ઘરે પાછા ફરી જવા માટે અપીલ કરી છે. આ બિલની સાથે જ રાજ્યમાં ગુર્જર, રાઈકા-રેબારી, બંજારા, ગાડિયા લોહાર અને ગડરિયા જાતિઓને 5 ટકા અનામતનો માર્ગ મોકળો થઈ ગયો છે. જોકે, આ અનામત ક્યાં સુધી અમલમાં રહેશે તે કોઈ જાણતું નથી.