નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંત સિંહના પુત્ર માનવેન્દ્ર સિંહનો આખરે ભાજપ સાથે નાતો તૂટી જ ગયો. આજે તેઓ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈ ગયાં. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના નિવાસ સ્થાન પર કોંગ્રેસનો ખેસ પહેરાવીને માનવેન્દ્ર સિંહને કોંગ્રેસ પાર્ટીની સદસ્યતા અપાવી., પાર્ટીના પ્રભારી સચિવ વિવેક બંસલે આ જાણકારી આપી. આ દરમિયાન માનવેન્દ્ર સિંહે રાજસ્થાની પોષાકમાં પંચરંગી સાફો પહેર્યો હતો. અશોક ગેહલોત, સચિન પાયલટ, અવિનાશ પાંડે, ભંવર જિતેન્દ્ર સિંહ અને હરીશ ચૌધરી જેવા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યાં હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 આગામી મહિના થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અગાઉ બળવાખોરી તેવર દેખાડી ચૂકેલા માનવેન્દ્રએ ગત મહિને જ બાડમેરમાં સ્વાભિમાન રેલી કરી હતી. જેમાં 'કમલ કા ફૂલ, બડી ભૂલ' કહીને ભાજપથી અલગ થવાની જાહેરાત કરી હતી. ભાજપ અને ખાસ કરીને મુખ્યમંત્રી વસુંધરા રાજેથી લાંબા સમયથી નારાજ જોવા મળી રહેલા માનવેન્દ્રએ 2013ની વિદાનસભા ચૂંટણી ભાજપની ટિકિટ પર બાડમેરની શિવ વિધાનસભા બેઠકથી લડી હતી અને જીત્યા હતાં. 


માનવેન્દ્ર સિંહ કોંગ્રેસમાં સામેલ થવા સંબંધે રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સચિન પાયલટે મંગળવારે કહ્યું હતું કે માનવેન્દ્ર સિંહ બુધવારે નવી દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાશે. તેમણે કહ્યું કે માનવેન્દ્ર સિંહના આવવાથી કોંગ્રેસ મજબુત થશે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે ભાજપ છોડીને જવાવાળાની યાદી લાંબી છે અને પાર્ટીએ આત્મમંથન કરવું જોઈએ કે આમ કેમ થઈ રહ્યું છે. અમે માનવેન્દ્ર સિંહનું સ્વાગત કરીએ છીએ અને તેનાથી કોંગ્રેસ વધુ મજબુત બનશે. પાઈલટે એમ પણ કહ્યું કે પાર્ટી સુનિશ્ચિત કરશે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમની સક્રિય ભાગીદારી હોય.



કોંગ્રેસની રણનીતિ
કોંગ્રેસના નેતાઓનું માનવું છે કે માનવેન્દ્ર સિંહના પાર્ટીમાં આવવાનો ફાયદો આગામી વિધાનસભા ચૂંટણીમાં મળશે. કારણ કે તેનાથી રાજપૂત મતદારોના મત પાર્ટીને મળશે. જ્યારે ભાજપના કહેવા અનુસાર માનવેન્દ્ર સિંહનો 'આ નિર્ણય રાજનીતિક રીતે ખોટો' છે અને તેનાથી કોઈ પ્રભાવ પડશે નહીં. રાજપૂત મતદારો પાર્ટીની સાથે જ રહેશે. 


કોંગ્રેસના બાડમેર જિલ્લા અધ્યક્ષ ફતેહ ખાને કહ્યું કે રાજપૂત સમુદાય ભાજપથી ખુશ નહતો અને માનવેન્દ્ર સિંહના કોંગ્રેસમાં આવવાથી પાર્ટીની જીતનો રસ્તો વધુ મજબુત બનશે. તેમણે કહ્યું કે રાજપૂતોના મોટી સંખ્યામાં મતો છે જે વસુંધરા રાજે સરકારથી નારાજ હતાં. માનવેન્દ્રના આવવાથી કોંગ્રેસને ફાયદો થશે. પશ્ચિમ રાજસ્થાનમાં અનેક બેઠકો પર રાજપૂત મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. 


બીજી બાજુ રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે માનવેન્દ્રના આવવાથી રાજપૂતોની સાથે સાથે રાજપુરોહિત, ચારણ અને પ્રજાપત મતદારોનો પણ સાથ કોંગ્રેસને મળી શકે છે. 


ભાજપે કહ્યું કે કોઈ ફરક પડશે નહીં
આ બાજુ ભાજપે કહ્યું કે માનવેન્દ્રના આ પગલાંથી પશ્ચિમ રાજસ્થાનમાં પાર્ટીની સંભાવનાઓ પર કોઈ અસર થશે નહીં. સંસદીય કાર્યમંત્રી રાજેન્દ્ર રાઠોડે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે માનવેન્દ્રનો આ નિર્ણય રાજકીય રીતે ખોટો છે જેની પાર્ટી પર કોઈ અસર થશે નહીં. 'રાજપૂત મતદારો ભાજપ સાથે રહ્યાં છે અને ભાજપ સાથે જ રહેશે.' રાઠોડે કહ્યું કે માનવેન્દ્રએ આ નિર્ણય લેતા પહેલા વિચારવા જેવું હતું. આ સાથે જ તેમણે ચેતવણી ઉચ્ચારી કે કોંગ્રેસમાં તેમની સાથે મોટો દગો થઈ શકે છે. 


તેમણે દાવો કર્યો કે રાજપૂત ભજાપના પરંપરાગત મતો રહ્યાં છે અને માનવેન્દ્રના જવાથી તેમના પર કોઈ અસર થશે નહીં. રાજપૂત મતો ફક્ત ભાજપ સાથે રહશે. બાડમેરની શિવ વિધાનસભા બેઠકથી ભાજપના ઉમેદવાર માનવેન્દ્ર સિંહે 2013ની વિધાનસભા ચૂંટણીમાં 31,425 મતોથી આ બેઠક જીતી હતી.