જયપુરમાં મોટી કરૂણ ઘટના: એક જ પરિવારમાં ત્રણ બહેનોના લગ્ન, બે પ્રેગ્નેટ, દહેજના ખતરનાક ખેલે 7 જિંદગીઓ ખલાશ
જયપુરના દૂદૂ વિસ્તારમાં એક જ પરિવારના પાંચ લોકોની લાશ કૂવામાંથી મળતા ખળભળાટ મચ્યો છે. આ સનસનીખેજ ઘટનાને કારણે સમગ્ર દેશમાં તેના પડઘા પડ્યા છે. પ્રાથમિક તપાસ બાદ તો પોલીસ આ ઘટનાને આત્મહત્યા માની રહી છે.
જયપુર: ગુજરાત સહિત સમગ્ર દેશમાં દહેજ પ્રથાએ અનેક મહિલાઓનો ભોગ લેવાયો હોય તેવી અનેક ઘટનાઓ બની ચૂકી છે, ત્યારે રાજસ્થાનમાંથી એક હૃદય હચમચી જાય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. જયપુરના દૂદૂ વિસ્તારમાં એક જ પરિવારના પાંચ લોકોની લાશ કૂવામાંથી મળતા ખળભળાટ મચ્યો છે. આ સનસનીખેજ ઘટનાને કારણે સમગ્ર દેશમાં તેના પડઘા પડ્યા છે. પ્રાથમિક તપાસ બાદ તો પોલીસ આ ઘટનાને આત્મહત્યા માની રહી છે.
જાણો શું છે સમગ્ર ઘટના?
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, જયપુરના દૂદૂ વિસ્તારમાં બનેલી ઘટનામાં મૃતકોમાં ત્રણ સગી બહેનો છે, જેમના લગ્ન એક જ પરિવારમાં ખુબ જ નાની ઉંમરમાં થયા હતા. સમય જતાં તેમના બે બાળકો પણ હતા. એટલું જ નહીં, હાલ બે બહેનો તો ગર્ભવતી પણ હતી. પરંતુ 25મી મે ત્રણેય સગી બહેનો માટે કાળ બનીને આવી હતી. આ દિવસે ત્રણેય બહેનોએ પોતાના બાળકો સાથે બજારમાં જવાનું બહાનું બનાવીને બહાર ગઈ હતી. પરંતુ સમય જતાં ત્રણેય બહેનો અને બાળકો ઘરે પાછી ન ફરતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ ચિંતાતૂર પરિવારે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી હતી. એટલું જ નહીં, પરિવારે અલગ અલગ જગ્યાએ પરિવારના સભ્યો ખોવાયા હોવાના પોસ્ટ પણ લગાવ્યા હતા.
આ ઘટના બાદ ત્રણેય બહેનોના પિતરાઈ ભાઈએ સાસરી પક્ષ પર મોટો આરોપ લગાવીને ખળભળાટ મચાવ્યો હતો. પિતરાઈ ભાઈ હેમરાજ મીણાએ સાસરી પક્ષ પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, મારી એક બહેનને સાસરી પક્ષમાં ખરાબ રીતે માર મારવામાં આવતો હતો. અમારી બહેનોની હત્યા કરવામાં આવી છે. બીજી બાજુ પોલીસને ત્રણેય બહેનો અને બાળકોના મૃતદેહ શોધવામાં સમય લાગ્યો હતો. પોલીસે સાસરી પક્ષના અમુક સભ્યોને પોતાની કસ્ટડીમાં લીધા છે. પોલીસને નજીકના કૂવામાંથી ત્રણેય બહેનો અને બાળકોના મૃતદેહ મળી આવ્યા છે, જેની ઓળખ કાલી દેવી (27), મમતા મીણા (23) અને કમલેશ મીણા (20)ના રૂપમાં થઈ છે. બાળકોમાં ભોગ બનનાર હર્ષિત (4) અને 20 દિવસની એક બાળકીનો પણ સમાવેશ થાય છે. મમલા અને કમલેશ ગર્ભવતી હતી.
ત્રણેય બહેનો ભણી ગણીને પોતાની જિંદગી ગુજારવા માંગતી હતી, જ્યારે ત્રણેયના અભણ પતિઓ દારૂના નશામાં તેમને ઢોર માર મારતા હતા. તેઓ દારૂડિયા અને શંકાશીલ સ્વભાવના હતા. તેઓ વડીલોપાર્જિત જમીન વેચીને જીવન પસાર કરતા હતા અને કોઈ કામધંધો કરતા ન હતા.
બહેનો કેટલું ભણી હતી?
મળતી માહિતી મુજબ, કમલેશે જયપુરની મહારાણી કોલેજમાં અભ્યાસ કર્યા બાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો, જ્યારે તેનો પતિ માત્ર પાંચમા-છઠ્ઠા ધોરણ સુધી જ ભણેલો છે, જ્યારે મમતા પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં પસંદગી પામી હતી. મોટી બહેન કાલુ બી.એ.ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી હતી.
સાત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો
પીપુલ્સ યૂનિયન ફોર સિવિલ લિબર્ટીઝની કાર્યકર્તા કવિતા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આ ઘટનામાં સાત લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે કારણ કે બે મહિલાઓ ગર્ભવતી હતી અને પોતાના અજન્મેલા બાળકોની સાથે મૃત્યું પામી હતી. આ ખૂબ જ ઘૃણાસ્પદ ગુનો છે અને મહિલાઓની વેદના સમજની બહાર છે. તેમણે કહ્યું કે સ્થાનિક પોલીસને બદલે ઉચ્ચ અધિકારી દ્વારા નિષ્પક્ષ અને સંપૂર્ણ તપાસ થવી જોઈએ.
સ્ટેટસ લગાવ્યું- મરી જવું સારું છે...
જયપુર ગ્રામીણ એસપી મનીષ અગ્રવાલે આ ઘટના સંદર્ભે જણાવ્યું હતું કે, ત્રણેય મહિલાઓમાંથી એક મહિલાએ વોટ્સએપ પર એક સ્ટેટ્સ પણ પોસ્ટ કર્યું હતું, જેમાં તેણે પોતાના સાસરી પક્ષથી પરેશાન છે, એટલા માટે મરી જવું સારું છે. બીજી બાજુ, મૃતક મહિલાઓના પિતાએ સાસરી પક્ષ વિરુદ્ધ દહેજ માટે હેરાન પરેશાન કરવાનો આરોપ લગાવતા એક ફરિયાદ દાખલ કરાવી છે.