Rajiv Gandhi Foundation નું લાયસન્સ રદ, વિદેશી ફંડિંગના આરોપો પર કેન્દ્રની કડક કાર્યવાહી
રાજીવ ગાંધી ફાઉન્ડેશનનું FCRA લાયસન્સ તેની સામે તપાસ હાથ ધરાયા બાદ રદ કરવામાં આવ્યું છે. ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આરજીએફના અધ્યક્ષ છે, જ્યારે અન્ય ટ્રસ્ટીઓમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, ભૂતપૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરમ, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનો સમાવેશ થાય છે.
નવી દિલ્લીઃ કેન્દ્ર સરકાર દ્વારા કોંગ્રેસ અથવા કોઈપણ પ્રકારે કોંગ્રેસ સાથે સંકળાયેલી સંસ્થાઓ પર ગાળિયો કસાઈ રહ્યો છે. એ પછી નેશનલ હેરાલ્ડ નો મામલો હોય કે હવે રાજીવ ગાંધી ફાઉન્ડેશન. મોદી સરકાર એકબાદ એક કોંગ્રેસ શાસિત સંસ્થાઓ પર બાજનજર રાખીને બેઠી છે. જે અંતર્ગત રાજીવ ગાંધી ફાઉન્ડેશન પણ કાયદાના કોયડામાં અટવાયું છે. રાજીવ ગાંધી ફાઉન્ડેશનનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના ગૃહ વિભાગની સમિતિએ આ કાર્યવાહી કરી છે. ગેરકાયદે વિદેશી ફંડિંગના આરોપો બદલ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેન્દ્ર સરકારે કાયદાના કથિત ઉલ્લંઘન બદલ ગાંધી પરિવાર સાથે સંકળાયેલ એનજીઓ રાજીવ ગાંધી ફાઉન્ડેશન (RGF)ના ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA)નું લાઇસન્સ રદ કરી દીધું છે. આ કાર્યવાહી 2020માં ગૃહ મંત્રાલય દ્વારા રચાયેલી આંતર મંત્રાલય સમિતિ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ પછી કરવામાં આવી છે.
એક અધિકારીએ જણાવ્યું કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનનું FCRA લાયસન્સ તેની સામે તપાસ હાથ ધરાયા બાદ રદ કરવામાં આવ્યું છે. ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આરજીએફના અધ્યક્ષ છે, જ્યારે અન્ય ટ્રસ્ટીઓમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, ભૂતપૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરમ, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનો સમાવેશ થાય છે. 1991માં સ્થપાયેલ રાજીવ ગાંધી ફાઉન્ડેશનએ 1991થી 2009 દરમિયાન સ્વાસ્થ્ય, વિજ્ઞાન અને ટેક્નોલોજી, મહિલાઓ અને બાળકો, વિકલાંગતા સહાય વગેરે સહિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કામ કર્યું છે. રાજીવ ગાંધી ફાઉન્ડેશનની વેબસાઈટ અનુસાર, સંસ્થાએ શિક્ષણ ક્ષેત્રે પણ કામ કર્યું છે.
આંતર મંત્રાલય સમિતિ દ્વારા કડક કાર્યવાહીઃ
નોંધનીય છે કે ગૃહ મંત્રાલયે રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટને ચીન તરફથી મળેલા ભંડોળના મામલાની તપાસ કરવા માટે આંતર મંત્રાલય સમિતિની રચના કરી હતી. મંત્રાલયે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), ઈન્કમ ટેક્સ એક્ટ, ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેટરી એક્ટ (FCRA) વગેરેની વિવિધ કાયદાકીય જોગવાઈઓના ઉલ્લંઘનની તપાસ કરવા માટે આ સમિતિની રચના કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube