રાજકોટ : રાજકોટ વિધાનસભામાં વિજય રૂપાણી સામે હારેલા ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ કોંગ્રેસમાંથી પહેલા સુષુપ્ત થયા બાદ અચાનક રાજીનામું ધરતા અનેક પ્રકારની અટકળો ચાલી રહી હતી. જો કે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ફરી તેમને કોંગ્રેસમાં લાવવા માટેની કોંગ્રેસી સમર્થકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આંતરિક વિવાદ અને પાર્ટીના ફંક્શનિંગથી નારાજ ઇન્દ્રનીલે કહ્યું કે, રાહુલ ગાંધી યોગ્ય વ્યક્તિ છે તેમના દ્વારા યોગ્ય ફંક્શનિંગ થશે તો પાર્ટીમાં પરત ફરવા અંગે વિચારીશ.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીનો સૌરાષ્ટ્ર પ્રવાસ પણ રદ્દ થયો હતો. આજે તે દિલ્હી દોડી ગયાની વાતે જોર પકડ્યું છે. નજીકના દિવસોમાં તે કોંગ્રેસમાં પરત ફરશે અને પરત ફરવાના નાટકીય રાજકારણનો ગમે ત્યારે અંત આવે તો નવાઇ નહી. ઇન્દ્રનીલને પરત લેવા માટે રાજકોટના સમર્થકો દ્વારા બેઠકો થઇ તેના ઘરે કોર્પોરેટરો તેને મનાવવા દોડી ગયા હતા. કુંવરજી બાવળિયાનાં આંતરિક વિવાદ બાદ બાવળિયા ભાજપમાં જોડાયા હતા. 

મહાનગર પાલિકાનાં વિપક્ષી નેતા વશરામ સાગઠિયાનાં જણાવ્યા અનુસાર ભાજપના લોકોને ઉંચા હોદ્દા અપાતા હોવા સામે રાજ્યગુરૂને વાંધો હતો. તેમણે ક્યારે પણ કોંગ્રેસ વિરુદ્ધ કોઇ ઉચ્ચારણ કર્યું નથી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી કોંગ્રેસ પક્ષનાં હિત માટે કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ખાતે વિશેષ રૂબરૂ મુલાકાત કરી હતી. આ રજુઆત બાદ અમિત ચાવડાએ કહ્યું કે, ઇન્દ્રનીલનું રાજીનામું પણ હજી સુધી સ્વીકારાયું નથી અને તેમને પક્ષમાં પરત ફરવું હોય તો દરવાજા હંમેશા ખુલ્લા જ છે.