Pegasus મુદ્દે રાજ્યસભામાં હંગામો, TMC સાંસદે IT મંત્રીના હાથમાંથી કાગળ છીનવી ફાડી નાખ્યા
રાજ્યસભાની કાર્યવાહી ગુરૂવાર માટે સ્થગિત કરી દેવામાં આવી છે. વિપક્ષી સાંસદોએ ગૃહમાં જાસૂસી કાંડ મુદ્દે ખુબ હંગામો કર્યો હતો. આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ હંગામાને કારણે પોતાનું નિવેદન આપી શક્યા નહીં.
નવી દિલ્હીઃ ઇઝરાયલી સોફ્ટવેર પેગાસસથી કથિત રીતે 300 ભારતીયોની જાસૂસીના આરોપોને લઈને ગુરૂવારે પણ સંસદમાં જોરદાર હંગામો થયો છે. ગુરૂવારે જ્યારે આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ આ મામલા પર બોલવા ઉભા થયા તો ટીએમસીના સાંસદોએ હંગામો શરૂ કરી દીધો હતો. આ દરમિયાન તેમણે કાગળો ફાડી આસન તરફ ફેંક્યા હતા. ટીએમસી સાંસદ શાંતનુ સેને તો મંત્રીના હાથમાંથી કાગળ છીનવી ફાડી નાખ્યા હતા. આ વચ્ચે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ ગૃહમાં સતત હંગામો ચાલુ રહ્યો હતો. ભાજપ અને ટીએમસી સાંસદો વચ્ચે મામલો ગરમાયો હતો. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને સેન વચ્ચે જોરદાર ડીબેટ જોવા મળી હતી. હોબાળો એટલો વધી ગયો કે માર્સલોએ હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી.
હંગામાને કારણે વૈષ્ણવ પોતાનું નિવેદન યોગ્ય રીતે વાંચી શક્યા નહીં. તેમણે ત્યારબાદ ગૃહના પટલ પર નિવેદન રાખવુ પડ્યુ. બે વખત સ્થગિત બાદ બપોરે 2 કલાકે જ્યારે કાર્યવાહી શરૂ થઈ તો ઉપાધ્યશ્ર હરિવંશે નિવેદન આપવા માટે વૈષ્ણવનું નામ લીધુ હતું. આ દરમિયાન વિપક્ષી સાંસદોએ હોબાળો શરૂ કરી દીધો હતો. વૈષ્ણવે નિવેદનની શરૂઆત કરી તો હોબાળો વધી ગયો. હંગામાને કારણે તેમની વાત કોઈ સાંભળી શક્યુ નહીં. ઉપાધ્યક્ષે વિપક્ષી દળોના વલણને અસંસદીય ગણાવ્યો અને કેન્દ્રીય મંત્રીને નિવેદન ગૃહના પટલ પર રાખવાનો આગ્રહ કર્યો હતો.
Pegasus જાસૂસી મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, SIT તપાસ અને સોફ્ટવેર ખરીદી પર રોક લગાવવાની માગણી કરાઈ
ઉપસભાપતિએ કહ્યુ- પ્રશ્નકાળ સભ્યોના સવાલો માટે છે... સવાલ જવાબ સભ્યો માટે ખુબ મહત્વપૂર્ણ છે. તમે ગૃહ ચાલે તે ઈચ્છતા નથી. તમે તમારા સ્થાન પર બેસો. ત્યારબાદ પણ સાંસદોએ હંગામો જારી રાખ્યો હતો. ઉપાધ્યક્ષે ફરી 2 વાગ્યા સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube