નવી દિલ્હી: ભાઈ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર એટલે રક્ષાબંધન. આવતી કાલે રક્ષાબંધનની ઉજવણીને લઈને દેશભરમાં હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. શ્રાવણ માસની પૂર્ણીમાના દિવસે ઉજવાતો આ તહેવાર ભાઈ બહેન માટે ખુબ ખાસ હોય છે. આ વર્ષે રક્ષાબંધન અનેક કારણોસર ખુબ ખાસ છે. કારણ કે વર્ષો બાદ એવો સંયોગ બની રહ્યો છે કે જ્યારે રક્ષા બાંધવા માટે બહેનોએ કોઈ શુભ મુહૂર્તની રાહ જોવી નહીં પડે. આ વખતે પૂર્ણીમાના દિવસના 24 કલાક એવા શુભ છે કે રાખડી બાંધી શકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રક્ષાબંધનના દિવસે બહેન પોતાના નાના અને મોટા ભાઈની કલાઈ પર રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધીને સુરક્ષાનું વચન માંગે છે. ભાઈની કલાઈ પર રક્ષા સૂત્ર બાંધ્યા બાદ બહેન તેના માથે તિલક લગાવીને આરતી કરે છે. હિંદુ ધર્મની માન્યતા મુજબ આમ કરવાથી ભાઈ બહેનનો સંબંધ અતૂટ બની જાય છે. કહે છે કે જ્યા સુધી જીવનની ડોર અને શ્વાસ રહે છે ત્યાં સુધી એક ભાઈ પોતાની બહેન માટે અને તેની સુરક્ષા, ખુશીઓ માટે હંમેશા તૈયાર રહે છે. 


રાખડી બાંધવાના શુભ મુહૂર્ત
આમ તો ભાઈની કલાઈ પર રાખડી બાંધવા માટે કોઈ પણ સમયને અશુભ ગણાતો નથી. પરંતુ ભાઈની દિર્ઘાયુ અને ખુશીઓની કામના એક શુભ મુહૂર્તમાં કરવામાં આવે તો તમામ કષ્ટ દૂર થાય છે. જ્યોતિષાચાર્યના જણાવ્યાં મુજબ આ વર્ષે 26 ઓગસ્ટના રોજ સવારે 05.59થી સાંજના 17.25 વાગ્યા સુધીનો સમય રાખડી બાંધવા માટે શુભ છે. કેટલાક જ્યોતિષાચાર્યોના કહેવા પ્રમાણે સૂર્યોદયની સાથે જ રાખડી બાંધવામાં આવે તો તે ભાઈને દિર્ઘાયુ આપે છે. 


ભદ્રાકાળમાં રાખડી બંધાય નહીં
ભૂખ્યા પેટે રહેવા ઉપરાંત રક્ષાબંધનનો એક ખાસ નિયમ એ પણ છે કે ભદ્રાકાળમાં રાખડી બંધાય નહીં. આ વર્ષના રક્ષાબંધનની સૌથી ખાસ વાત એ છે કે ભદ્રાકાળનો સમય સૂર્યોદય થતા પહેલા જ સમાપ્ત થઈ જશે. 


આ રીતે તૈયાર કરાય પૂજાની થાળી
રક્ષાબંધનના આ  પવિત્ર તહેવાર પર બહેનો સવારે ઉઠીને સર્વપ્રથમ સ્નાન, વગેરે કરીને નવા કપડાં પહેરે છે. ત્યારબાદ પીત્તળની થાળીમાં રાખડી, કંકુ, હળદર, અક્ષત ચોખા, અને મીઠાઈ રાખે છે. પૂજાની થાળી તૈયાર કર્યા બાદ બહેન ભાઈની પૂજા કરે છે. સૌથી પહેલા બહેન ભાઈને તિલક કરીને તેની આરતી કરે છે. ત્યારબાદ તેના પર અક્ષતના દાણા ફેંકીને મંત્રોચ્ચાર કરે છે અને તેની કલાઈ પર રેશમના દોરાથી બનેલી રાખડી બાંધે છે. ત્યારપછી તેનું મોઢું મીઠું કરાવે છે. 


પૂજા સુધી ભૂખ્યા રહે છે ભાઈ બહેન
હિંદુ ધર્મની માન્યતા મુજબ રક્ષાબંધનની પૂજા સુધી ભાઈ અને બહેન ભૂખ્યા પેટે રહે તે જરૂરી છે. કહેવાય છે કે ખાલી પેટે પૂજા કરવાથી ભાઈ અને બહેનની પૂજા સફળ થાય છે. જે વચનો આપ્યા હોય છે તે હંમેશા પૂરા થાય છે. રાખડી બાંધ્યા બાદ ભાઈ અને બહેન બંનેમાંથી જે નાના હોય તેમના માટે આશીર્વાદ લેવા જરૂરી બને છે.