પ્રાણ-પ્રતિષ્ઠા બાદ દેશમાં દિવાળી, PM મોદીએ શેર કરી દુર્લભ તસવીરો અને વીડિયો
Ram Mandir: પ્રાણ-પ્રતિષ્ઠા બાદ દેશમાં દિવાળી! PM મોદીએ શેર કર્યો વીડિયો અને તસવીરો. જાણો પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં પ્રધાનમંત્રી મોદીએ કરોડો દેશવાસીઓએ કઈ બાબતની અપીલ કરી. અને દેશવાસીભરમાં ત્યાર બાદ કઈ રીતે સર્જાયો દિવાળી જેવો માહોલ...
Ram Mandir: PM મોદીએ દેશવાસીઓને આજના પવિત્ર અવસર પર પોત પોતાના ઘરમાં રામ જ્યોતિ પ્રગટાવવાની અપીલ કરી. અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ મંદિર 1100000 દીવાઓથી ઝળહળી ઉઠ્યું. અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરનું સપનું સાકાર થયું. નવનિર્મિત મંદિરમાં રામલલાની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ અને દુનિયાની અનેક હસ્તીઓ આ સમારોહમાં સામેલ થયાં. દેશ અને દુનિયાના કરોડો હિન્દુઓએ આ દુર્લભ ઘડીને ટીવી અને ઈન્ટરનેટના માધ્યમ દ્વારા જોઈને તેના વધામણાં કર્યાં. ભારતના વિવિધ રાજ્યો સહિત અમેરિકા, કેનેડા, યુકે સહિત દુનિયાભરમાં આ અવસરની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'યજમાન' તરીકે ધાર્મિક વિધિઓ પૂર્ણ કરી. તેમણે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને RSS વડા મોહન ભાગવતની હાજરીમાં 'પ્રાણ પ્રતિષ્ઠા' વિધિમાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ સમારોહમાં ભાગ લેવા આવેલા મહેમાનોને પણ સંબોધિત કર્યા હતા. ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા માટે ઘણી હસ્તીઓ રામનગરી પહોંચી હતી.
પ્રધાનમંત્રીએ ટ્વીટર પર લખ્યું હતું, જય સિયારામ! રામજ્યોતિ પ્રગટાવીને દરેક પોતાના ઘરે શ્રી રામનું સ્વાગત કરે. આજે રામલલ્લા અયોધ્યા ધામમાં તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે. આ શુભ અવસર પર હું તમામ દેશવાસીઓને અપીલ કરું છું કે તેઓ રામ જ્યોતિ પ્રગટાવે અને તેમના ઘરે પણ તેમનું સ્વાગત કરે. જય સિયા રામ!
આ સાથે જ પીએમ મોદીએ રામજ્યોતિ પ્રગટાવતી તસવીરો સાથે દિપોત્સવનો એક સુંદર વીડિયો પણ ટ્વીટર પર પોસ્ટ કર્યો. આ વીડિયો સોંગ હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છેકે, રામમંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા પહેલાં પ્રધાનમંત્રી મોદીએ 11 દિવસના અનુષ્ઠાન કર્યા હતા.
પ્રાણ-પ્રતિષ્ઠા માટે ઋષિ મુનીઓએ પીએમ મોદીને ત્રણ દિવસનો ઉપવાસ કરવાનું સૂચન કર્યું હતું. જોકે, પીએમ મોદીએ એક તપસ્વીની જેમ પુરેપુરા 11 દિવસ સુધી અન્નનો ત્યાગ કરીને કડક અનુષ્ઠાન કર્યું. આ સાથે જ તેમણે જે જે સ્થળે રામના પદ ચિન્હો પડ્યા હતા તેમણે એ દરેક સ્થળની મુલાકાત લઈને ત્યાં દર્શન અને પુજાવિધી કરી. પીએમ મોદીએ જણાવ્યુંકે, પ્રાણ-પ્રતિષ્ઠા પહેલાં મને જ્યા જ્યા ભગવાન રામ ગયા હતા એ સ્થળોએ એટલેકે, સાગરથી સરિયુ સુધીની યાત્રા કરવાનો અવસર મળ્યો, જેનાથી હું ધન્યતા અનુભવું છું.