અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આજે સોમવારે સવારે સાડા નવ વાગ્યે શ્રીરામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમની શરૂઆત થઈ છે. જેમાં શરૂઆતમાં ભગવાન ગણેશની પૂજા કરવામાં આવી રહી છે. આ પૂજન લગભગ ચાર કલાક સુધી ચાલશે. જ્યારે ભૂમિ પૂજનનો કાર્યક્રમ સતત ત્રણ દિવસ સુધી ચાલશે. 5 ઓગસ્ટના રોજ અભિજીત મુહૂર્તમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રી રામ મંદિર નિર્માણ માટે અયોધ્યામાં ભૂમિ પૂજન કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદી અયોધ્યાના પ્રવાસમાં ફક્ત રામ મંદિર ભૂમિ પૂજન અને હનુમાનગઢી તથા પ્રભુ રામલલાના દર્શન કરશે. પીએમ મોદી આ દરમિયાન કોઈ પણ પ્રોજેક્ટનું લોકાર્પણ કે શિલાન્યાસ કરશે નહીં. 


અત્રે જણાવવાનું કે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મુખ્ય આયોજકના આમંત્રણ પર પીએમ મોદી અયોધ્યા આવી રહ્યાં છે. 5 ઓગસ્ટના રોજ વિજય મુહૂર્તમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રીરામ મંદિર નિર્માણ માટે અયોધ્યામાં ભૂમિ પૂજન કરશે. પીએમ મોદી પ્રધાનમંત્રી તરીકે પહેલીવાર અયોધ્યા આવી રહ્યાં છે. આ વિશેષ મુહૂર્તમાં પ્રભુ રામલલાને જે પોશાક પહેરાવવામાં આવશે તેનો રંગ લીલો અને કેસરિયો હશે. નવરત્ન જડિત પોશાક ખુબ જ સુંદર અને ભવ્ય છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે બુધવારનો દિવસ ભગવાન ગણેશનો હોય છે અને તેમને લીલો રંગ પસંદ છે આથી લીલા રંગના વસ્ત્ર રામલલા માટે તૈયાર થયા છે. 


પ્રભુ રામલલાના પોશાક તૈયાર કરનારા ભગવત પ્રસાદ ઉર્ફે પહાડી દરજીએ કહ્યું કે હું આ પોશાક બનાવીને ખુબ જ ખુશ છું. અમારા આખા પરિવારે તન મન ધનથી આ પોશાકને તૈયાર કર્યા છે. અમને જેટલી પણ જાણકારી કે અનુભવ હતો તે બધો આ પોશાક બનાવવામાં કામે લગાડ્યો. આજ સુધી અમે આવો પોશાક બનાવ્યો નથી જે પ્રકારનો આ બનાવ્યો છે. પ્રધાનમંત્રીજી ભૂમિ પૂજનના દિવસે આ પોશાકમાં પ્રભુ રામલલાના દર્શન કરશે અને આ મારા માટે ખુબ ગર્વની વાત છે. 


પંડિત કલ્કિ રામે કહ્યું કે આ કાર્ય કરવામાં મને ખુબ પ્રસન્નતા થઈ છે. છેલ્લા 6 વર્ષથી હું પ્રભુ  રામલલાના મંદિરમાં ધર્મધ્વજા લગાવી રહ્યો છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દીર્ઘાયુ અને સફળ થાય તે મારી કામના છે. 


પ્રભુ રામલલા મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે પંડિત કલ્કિ રામે જે વસ્ત્ર મને સોંપ્યા છે તે રામલલાને પહેરાવવામાં આવશે. ભૂમિ પૂજનના દિવસે લીલા રંગના વસ્ત્રો રામલલા ધારણ કરશે. આચાર્યે પણ કહ્યું કે રવિવારે સફેદ રંગ અને મંગળવારે લાલ રંગના પોશાક પ્રભુ રામલલા ધારણ કરશે.