અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચી રહ્યાં છે.  ભક્તો મોટી સંખ્યામાં દાન કરી રહ્યાં છે. પ્રથમ દિવસે રામ મંદિરને ત્રણ કરોડથી વધુનું દાન મળ્યું છે.  સૂત્રોએ બુધવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે રામલલા મંદિરના પરિસરમાં સ્થાપિત તમામ 10 ડોનેશન કાઉન્ટર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ખોલવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમની ગણતરી કરવામાં આવી હતી અને દાનની કુલ રકમ 3 કરોડ 17 લાખ રૂપિયા હતી. આ ઉપરાંત રામ ભક્તોએ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે રામલલાને ઓનલાઈન દાન પણ મોકલ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વચ્ચે પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે 23 જાન્યુઆરીએ 5 લાખથી વધુ રામ ભક્તોએ રામલલાના દર્શન કર્યા, જ્યારે 24 જાન્યુઆરીએ બે લાખથી વધુ ભક્તો પ્રભુ રામના દરબારમાં પહોંચ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ ભવ્ય મંદિરના કપાટ મંગળવારે સવારે સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. 23 જાન્યુઆરીએ શ્રદ્ધાળુઓની ભારી ભીડને કારણે સ્થિતિ સંભાળવી મુશ્કેલ બની હતી. 


મંગળવારે જનતા માટે રામ જન્મભૂમિ મંદિરના કપાટ ખુલવાના થોડા કલાકો પહેલા ભક્તો લાઈનમાં ઉભા રહી ગયા હતા. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે સુરક્ષામાં જે દળો તૈનાત કરવામાં આવ્યા હતા, તેમને ફરી તૈનાત કરવામાં આવ્યા અને અયોધ્યા શહેર તરફ આવતા તમામ માર્ગો પર બેરેકેડિંગ કરી દેવામાં આવી હતી. મંગળવારે સવારે માત્ર ચાલીને આવતા યાત્રીકોને અંદર જવાની મંજૂરી હતી, પરંતુ બપોર બાદ યાત્રીકો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.


લગભગ તમામ શ્રદ્ધાળુઓ અયોધ્યાની આસપાસના જિલ્લાઓ ખાસ કરીને બસ્તી, ગોંડા, બારાબંકી, સુલતાનપુર અને આંબેડકર નગરના છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી તરત જ ટ્રાફિક નિયંત્રણો હળવા કરવામાં આવતાં, નજીકના વિવિધ વિસ્તારોમાંથી લોકો મધ્યરાત્રિએ અયોધ્યા તરફ આવવા લાગ્યા. ભીડમાં અયોધ્યાના રહેવાસીઓ અને વિવિધ મંદિરોના સાધુઓ પણ સામેલ હતા.