રામલલા તમામ લોકોના ભગવાન, મંદિર માટે સૌકોઇ આગળ આવે: રામ વિલાસ વેદાંતી
દેશમાં અસહિષ્ણુતાનું વાતાવરણ હોવાનો દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે તેવું કઇ જ નથી
નવી દિલ્હી : અયોધ્યામાં ભગવાન રામનાં મંદિરના નિર્માણ મુદ્દે ચાલી રહેલી ગરમા ગરમી વચ્ચે શ્રીરામ જન્મભુમિ ન્યાસના અધ્યક્ષ રામ વિલાસ વેદાંતીએ કહ્યું કે, રામલલા બધાના છે. અયોધ્યામાં રામ મંદિર માટે તમામ લોકોએ આગળ આવવું જોઇએ. તેમણે કહ્યું કે, દેશમાં ક્યાંય પણ અસહિષ્ણુતાનું વાતાવરણ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, રામ મંદિરન નિર્માણ મુદ્દે ચર્ચા કરવા અને સંતોના આશીર્વાદ લેવા માટે મુંબઇથી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અયોધ્યા પહોંચી ચુક્યા છે.
પોતાની પત્ની અને પુત્ર સાથે શનિવારે અયોધ્યા પહોંચેલા ઠાકરે બપોરે આશરે 3 વાગ્યે સાધુ સંતો સાથે મુલાકાત કરી હતી. ભગવાન રામની નગરી અયોધ્યામાં શનિવારે રાજકીય ગરમાવો આવી ગયો છે. અહી રામ મંદિરના નિર્માણ મુદ્દે શિવસેના અને વિશ્વ હિંદુ પરિષદ અલગ અલગ કાર્યક્રમો કરી રહી છે. શિવસેના ત્યાં આશિર્વાદ ઉત્સવનું આયોજન કરી રહી છે. તો વિહિપ દ્વારા રવિવારે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. માટે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ અયોધ્યા પહોંચ્યા છે. અહીં તેઓ સાધુ સંતો સાથે મુલાકાત કરશે.
સુત્રો અનુસાર ઉદ્ધવ ઠાકરે રામ મંદિર નિર્માણ માટે મહારાષ્ટ્રથી ચાંદીની ઇંટ લઇને આવી રહ્યા છે. જેને તેઓ સંતોને સોંપશે. શિવસેના અધ્યક્ષ સાથે તેમના પત્ની રશ્મિ ઠાકરે અને પુત્ર શિવસેના નેતા આદિત્ય ઠાકરે પણ અયોધ્યા પહોંચ્યા છે.
મુખ્યમંત્રી યોગીએ બોલાવી બેઠક
અયોધ્યામાં શનિવારે શિવસેના અને રવિવારે વીહીપ દ્વારા યોજાયેલ કાર્યક્રમ મુદ્દે વાતાવરણ ગરમ છે. બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યાની હાલની પરિસ્થિતી મુદ્દે ચર્ચા કરવા માટે એક બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠક શનિવારે લખનઉમાં મોડી રાત્રે 08.30 વાગ્યે થશે. માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં અયોધ્યાની હાલની સ્થિતી અંગે ચર્ચા કરવામાં આવી શકે છે.