નવી દિલ્હીઃ દિલ્હીમાં દર વર્ષે યોજાતા 'જશ્ન-એ-રેખતા' કાર્યક્રમમાં આ વર્ષે ઉર્દૂ ભાષામાં લખેલી રામલીલાનું મંચન કરવામાં આવનારું છે. દિલ્હીમાં આયોજિત 'જશ્ન-એ-રેખતા-2018'ની શરૂઆત 14 ડિસેમ્બરથી થઈ રહી છે અને મહિલા મુશાયરા તેનું મુખ્ય આકર્ષણ રહેશે. રેખ્તા ફાઉન્ડેશન તરફથી જણાવ્યા અનુસાર, દર્શકો માટે ખાસ ઉર્દૂમાં રામલીલાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન પ્રખ્યાત રામચરિતમાનસના કથાવાચક મોરારીબાપુના હસ્તે કરવામાં આવશે. 'રામ કહાની ઉર્દૂવાલી' નામની આ રામલીલા 'શ્રી શ્રદ્ધા રામલીલા ગ્રૂપ' દ્વારા તૈયાર કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉર્દૂમાં રામલીલાના મંચન બાદ વડાલી ભાઈઓ- પૂરન સિંહ વડાલી અને લખવિંદર વડાલીની કવ્વાલીનો કાર્યક્રમ યોજાશે. ત્રણ દિવસના આ મહોત્સવમાં ગઝલો, સૂફી સંગીત, કવ્વાલી, કથાવાચન, પેનલ ચર્ચા, વિશેષ હસ્તીઓ સાથે વાતચીત અને ફિલ્મોના પ્રદર્શન દ્વારા ઉર્દૂના વિવિધ પાસાઓ અને વારસાને દેખાડવામાં આવશે. 


જાણીતા પાકિસ્તાની લેખક ઈન્તઝાર હુસૈન, ફેજ અહેમદ ફૈઝ અને ભારતના રહસ્યવાદી કવી કબીર પર પણ વિશેષ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. જશ્ન-એ-રેખ્તાનું સમાપન 16 ડિસેમ્બરના રોજ નૂરન બહેનોની રૂહાની પ્રસ્તુતિ સાથે થશે. 



(ફાઈલ ફોટો)


ઉર્દૂ ભાષાના પ્રચાર, પ્રસાર અને સંરક્ષણ માટે યોજાતા આ મહોત્સવમાં શમ્સુર રહેમાન ફારુકી, ગોપીચંદ નારંગ, જાવેદ અખ્તર, શબાના આઝમી, વિશાલ ભારદ્વાજ, જાવેદ જાફરી, માલિની અવસ્થી, વસીમ બરેલવી, કુમાર વિશ્વાસ, આસિફ શેખ, શ્રૃતિ પાઠક, મહેમુદ ફારૂકી, ઉસ્તાદ ઈક્લાબ અહેમદ ખાન (દિલ્હી ઘરાનાના ખલીફા), ગાયત્રી અશોકન અને સોમન કાલરા જેવી સિનેમા અને સાહિત્યની દુનિયાની જાણીતી હસ્તીઓ ભાગ લેશે. 


રેખ્તા ફાઉન્ડેશનના સંજીવ સરાફે જણાવ્યું કે, "મારું માનવું છે કે, કોઈ સમાજના વિકાસ માટે ભાષા દ્વારા વિચારધારાની અભિવ્યક્તિ અત્યંત મહત્વની બાબત છે અને આ કામ જો કોઈ ભાષા અત્યંત પ્રેમપૂર્વક લોકોનાં હૃદયમાં ઉતરી જતી હોય તો તે છે ઉર્દૂ." મહોત્સવનું આયોજન ઈન્ડિયા ગેટ પાસે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે.