દમોહ: મધ્ય પ્રદેશમાં રેપની વધતી ઘટનાઓ પર સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના સાંસદ નંદકુમાર ચૌહાણે સાવ વિચિત્ર નિવેદન આપ્યું છે. પત્રકારો સાથે વાતચીતમાં નંદકુમાર ચૌહાણે કહ્યું કે ઈન્ટરનેટ અને સ્માર્ટફોનના વધી રહેલા ચલણને કારણે રેપની ઘટનાઓ વધી રહી છે. તેમણે કહ્યું કે 'હું સમજુ છું કે યુવાઓ સુધી સ્માર્ટફોન અને ઈન્ટરનેટની પહોંચ સરળ થઈ ગઈ છે. તેઓ તેના ઉપર આપત્તિજનક કન્ટેન્ટ જુએ છે. જે તેમના અબોધ મન પર નકારાત્મક પ્રભાવ પાડે છે. મીડિયાએ આ તમામ પહેલુઓને પણ કવર કરવા જોઈએ.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્ય પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ નંદકુમાર ચૌહાણને જ્યારે પૂછવામાં આવ્યું કે શું સાઈબર સેલ આપત્તિજનક કન્ટેન્ટ પર રોક લગાવી શકે નહી? તો તેના જવાબમાં તેમણે કહ્યું કે દરેકના મોબાઈલ ફોન સુધી સાઈબર સેલની પહોંચ અસંભવ છે. જો કે તેમણે એ પણ કહ્યું કે આ તેમનો વ્યક્તિગત મત છે. 


દુષ્કર્મીઓમાં ફાંસીની સજાથી ડર પેદા થશે: શિવરાજ
મધ્ય પ્રદેશમાં માસૂમ બાળકીઓ સાથે હેવાનિયતની વધતી ઘટનાઓ પર મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે હ્રદયદ્વાવક ઘટનાઓને અંજામ આપનારાઓને ફાંસી પર લટકાવવા જોઈએ. તેના વગર તેમનામાં ડર પેદા થશે નહીં. શિવરાજે ઈન્દોર, મંદસૌર અને સતનામાં માસૂમ પુત્રીઓ સાથે દુષ્કર્મ અને બળજબરીની ઘટનાઓ અંગે કહ્યું કે 'આ ઘટનાઓ હ્રદયદ્રાવક છે, અંદર સુધી હચમચાવી નાખે છે. જે લોકો આવું કામ કરે છે તેઓ રાક્ષસ છે, નરપિશાચ છે. આવા લોકો ધરતી પર રહેલવા લાયક નથી. આવા લોકોને ફાંસી પર લટકાવવા જોઈએ. તેના વગર ખોફ પેદા થશે નહીં.' 


મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે મોટાભાગે એવું જોવા મળ્યું છે કે નીચલી કોર્ટમાં આરોપીઓને ફાંસી થાય છે પરંતુ જ્યારે કેસ ઉપરની કોર્ટમાં જાય છે ત્યારે પ્રક્રિયા લાંબી થઈ જાય છે. દુષ્ટોને ફાંસી આપવામાં વાર લાગે છે. આથી આવા મામલાઓમાં જલદી સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવા માટે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખીને ભલામણ કરાઈ છે. 


તેમણે કહ્યું કે હાઈકોર્ટમાં પણ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવીને ઝડપથી સુનાવણી થવી જોઈએ. જેથી કરીને આવા નરપિશાચોને જલદી ફાંસી થઈ શકે. આ બાજુ ચૌહાણે કહ્યું કે તેઓ અભિયાન ચલાવશે કે માસૂમ બેટીઓ સાથે બળજબરી કરનારા આવા લોકોને કોઈ પણ કિંમતે ફાંસીની સજા મળે. બળાત્કારીઓને જેલમાંથી ક્યારેય છોડવા ન જોઈએ. આવા લોકો માનસિક રીતે વિકૃત છે. તેઓ ફરીથી સમાજમાં આવીને આવું જઘન્ય કામ કરશે. એટલે આ દુનિયા તેમના માટે યોગ્ય ઠેકાણુ નથી.