નવી દિલ્હી : 12મી સદીમાં બનેલા ઓરિસ્સાના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરનો ખજાનો આજે ખુલશે, 34 વર્ષો બાદ ખજાનો ખોલવાનો હોવાથી એને લઇને મંદિર પ્રશાસન દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આ ખજાનાનું નિરીક્ષણ કરવા માટે 10 લોકોની એક ખાસ ટીમ બનાવાઇ છે. ખજાનામાં કોઇ પણ પ્રકારની ગરબડી ના થાય એ માટે આ ટીમના તમામ સભ્યો એક લંગોટ પહેરીને જ અંદર જશે. આ ટીમ દ્વારા ખજાના ગૃહની તમામ વસ્તુઓનું નિરીક્ષણ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધ
મંદિરના મુખ્ય વહીવટકર્તા અધિકારી પ્રદીપ જેનાએ જણાવ્યું કે, જે વખતે ખજાનો ખોલવામાં આવશે એ સમયે કોઇ પણ દર્શનાર્થીને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ ખજાનાને રત્ન ભંડાર ગૃહ તરીકે ઓળખવામાં આવે છે. ખજાનાના નિરીક્ષણ માટે જનાર ટીમમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના બે નિષ્ણાતોને પણ રાખવામાં આવ્યા છે. રત્ન ભંડાર ગૃહનું નિરીક્ષણ કરનારી ટીમ માટે ભવનને જ જોવાની મંજૂરી આપવામાં આવી છે. ટીમનો કોઇ સભ્ય રત્ન ભંડારની કોઇ ચીજ વસ્તુને અડકી નહીં શકે કે કોઇ પટારો ખોલી નહીં શકે. 


માત્ર ઓક્સિજન અને ટોર્ચ
રત્ન ભંડાર ગૃહમાં પ્રવેશ કરનારી ટીમના તમામ સભ્યોને ત્રિ-સ્તરીય સુરક્ષા કવચમાંથી પસાર થવાનું રહેશે. એમની સઘન તપાસ કર્યા બાદ જ એમને અંદર પ્રવેશ અપાશે. સાથોસાથ આ  નિરીક્ષણ દરમિયાન એમને માત્ર ઓકિસજન સિલિન્ડર અને ટોર્ચ લઇ જવાની જ મંજૂરી આપવામાં આવી છે. 


રત્ન ભંડાર ગૃહમાં સાપ
રત્ન ભંડાર ગૃહ સદીઓથી સચવાયેલું છે. જેમાં દેવી દેવતાઓના ઘરેણા હોવાનું માનવામાં આવે છે. આ અગાઉ પણ રત્ન ભંડારમાંથી સાપ નીકળવાના બનાવ બન્યા છે. જેને પગલે તંત્ર દ્વારા કોઇ ર્દુઘટના ન ઘટે એ માટે સાપ પકડનારાઓને પણ બોલાવી રખાયા છે. 


અગાઉ ત્રણ કક્ષ ખોલાયા હતા
આ અગાઉ 1984માં આ રત્ન ભંડાર ગૃહના ત્રણ કક્ષ ખોલવામાં આવ્યા હતા અને એનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. એ વખતે પણ રત્ન ભંડારામાંથી સાપ નીકળ્યા હતા. કહેવાય છે કે, પ્રાચીન આ ભંડારામાં દેવી દેવતાઓના કિંમતી આભૂષણો રાખવામાં આવ્યા છે. 


26 માર્ચે કરાયું હતું નિરીક્ષણ
આ અગાઉ સોમવારને 26મી માર્ચે ઓરિસ્સા હાઇકોર્ટના આદેશ બાદ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઇ)એ રત્ન ભંડારના બાહ્ય ભાગની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. અહીં ભગવાન જગન્નાથ મંદિરના આભૂષણનો ભંડાર ગૃહ છે. એએસઆઇના સંયુક્ત નિર્દેશક હિમાદ્રી બિહારી હોતાએ કહ્યું કે, એએસઆઇની એક ટીમે 12મી સદીના આ મંદિરના રત્ન ભંડારના બાહ્ય ભાગની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.