જો ગર્ભાવસ્થામાં ખાશો `આવું` ભોજન તો બાળકને થઈ શકે છે ડાયાબિટીસ
આ રિસર્ચ માટે 63,529 જેટલી ગર્ભવતી મહિલાઓ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું
લંડન : હાલમાં થયેલા એક રિસર્ચના તારણના આધારે જાહેર કરવામાં આવ્યું છે કે જો માતા ગર્ભાવસ્થા દરમિયાન વધારે પડતો ગ્લુટેનયુક્ત આહાર લે તો શિશુને ટાઇપ-1 ડાયાબિટીસ થવાનો ખતરો વધી જાય છે. હકીકતમાં પ્રાણીઓ પર પહેલાં અધ્યયન થયું હતું જેમાં માહિતી મળી હતી કે ગ્લુટેન રહિત આહાર લેનારા પ્રાણીઓના બાળકોમાં ટાઇપ 1 ડાયાબિટીસ નહોતો જોવા મળ્યો પણ ગર્ભવતી મહિલાઓના આહાર પર પહેલીવાર અધ્યયન કરવામાં આવ્યું છે.
ડેનમાર્કના બાર્થોલિન ઇન્સ્ટિયૂટના સંશોધકોએ આ રિસર્ચ કરવા માટે જાન્યુઆરી, 1996થી ઓક્ટોબર, 2002ના સમયગાળામાં ગર્ભવતી બનેલી 63,529 ગર્ભવતી મહિલાઓના આંકડાનો અભ્યાસ કર્યો હતો.
એક અંદાજ પ્રમાણે દરેક 100 બાળકો પૈકી એકમાં એવા જનીનો હોય છે. જેના કારણે તેમને ટાઇપ-1 ડાયાબિટીસ થવાની શક્યતા રહેલી હોય છે. નિષ્ણાતો કહે છે કે સામાન્ય રીતે નવજાત શિશુનો કરાતો 'હીલ પ્રિક બ્લડ ટેસ્ટ' આ જનીનોને શોધી કાઢે છે. માનવામાં આવે છે કે સ્પૂન ફિડિંગ દ્વારા બાળકોને ઇન્સ્યૂલિન પાવડર આપવાથી તેમની ઇમ્યુન સિસ્ટમ ટાઇપ-1 ડાયાબિટીસ સામે રક્ષણ આપી શકશે. જોકે, હાલમાં ટાઇપ-1 ડાયાબિટીસને રોકવા માટે કોઈ રસ્તો નથી.