Research on Rice: ભારતીય ભોજનની થાળીમાંથી ગાયબ થઈ જશે ચોખા! જાણો આ છે કારણ
- દેશમાં સર્જાઈ શકે છે ચોખાની અછત, સંશોધન બાદ નિષ્ણાતોએ આપ્યો મત
- ભારતમાં ચોખાની અછત પછાળ કર્યું કારણ હોઈ શકે છે જવાબદાર?
ઝી બ્યૂરો, અમદાવાદઃ બદલાતા હવામાન, પાણીની અછત અને ગ્લોબલ વોર્મિંગને લીધે, આગામી 30 વર્ષોમાં ચોખા લોકોની પ્લેટમાંથી ગાયબ થઈ જાય તેવી સંભાવના છે. ઈલિનોઈસ યુનિવર્સિટીના અમેરિકન સંશોધનકારોની ટીમે ભારતમાં વિશ્વના સૌથી મોટા ચોખા ઉત્પાદન ક્ષેત્રનો અભ્યાસ કર્યો. આ ટીમે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે વર્ષ 2050 સુધીમાં ચોખાના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થઈ શકે છે.
ઉત્પાદન ઘટવાની ધારણા છે
સંશોધનકારોની ટીમે અહેવાલ આપ્યો છે કે જો આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ જમીનના સંરક્ષણ માટે કરવામાં ન આવે અને લણણીના સમયે અપશિષ્ટોને સિમિત કરવા પર ધ્યાન કેન્દ્રિત નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં ચોખાના ઉત્પાદનમાં મોટા પ્રમાણમાં ઘટાડો થઈ શકે છે. આ ટીમે બિહાર સ્થિત 'નોર્મન બોરલૉગ ઈન્સ્ટિટ્યૂટ' નાં ચોખા ઉત્પાદન કેન્દ્ર પર સંશોધન હાથ ધર્યુ હતું. આ સંશોધનનો ઉદ્દેશ્ય વર્ષ 2050 સુધીમાં ચોખાની ઉપજ અને પાણીની માગનો અંદાજ લગાવવાનો હતો.
બદલાતા તાપમાન અને હવામાનની અસર
આ અભ્યાસના મુખ્ય લેખક અને ઈલિનોઇસ યુનિવર્સિટીના કૃષિ અને જૈવિક ઈજનેરી વિભાગના પ્રોફેસર પ્રશાંત કાલિતાએ જણાવ્યું કે, પાક પર બદલાતા હવામાન ઉપરાંત તાપમાન, વરસાદ અને કાર્બન ડાયોક્સાઈડની સાંદ્રતાને અસર થાય છે. ચોખા જેવા પાકના વિકાસ માટે આ ખાસ કરીને આવશ્યક સામગ્રી છે. બદલાતા હવામાનની ચોખાના પાક પર વિપરીત અસર પડશે, તો ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની શક્યતા છે.
2050 સુધીમાં ચોખાની ઉપજમાં ઘટાડો થશે
પ્રોફેસર કાલિતાના અધ્યયનનાં આધારે, એક એવો અંદાજ લગાવવામાં આવે છે કે જો ચોખા ઉત્પાદક ખેડૂતો વર્તમાન પદ્ધતિઓ સાથે ખેતી કરવાનું ચાલુ રાખે છે, તો તેમના છોડની ઉપજમાં 2050 સુધીમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. સંશોધનનાં મોડેલિંગ પરિણામો સૂચવે છે કે પાકનાં વિકાસનો તબક્કો ઘટતો જાય છે. પાકની વાવણીથી લઈને લણણી સુધીનો સમય ઝડપથી ઘટતો જાય છે. આને કારણે પાક ઝડપથી પરિપક્વ થાય છે. જેના કારણે ખેડૂતોને સંપૂર્ણ પાકનો લાભ નથી મળી રહ્યો.