બઢતીમાં અનામતઃ કેન્દ્રની અરજીનો શાંતિ ભૂષણે વોટબન્કની રાજનીતિ જણાવી વિરોધ કર્યો
ભૂષણે જણાવ્યું કે, સરકારી નોકરીઓમાં બઢતીમાં SC/ST માટે ક્વોટા અનિવાર્ય કરવાની મંજૂરી આપી શકાય નહીં અને તે બંધારણની મૂળ રચનાનું ઉલ્લંઘન કરશે
નવી દિલ્હીઃ SC/ST કર્મચારીઓને સરકારી નોકરીઓમાં બઢતીમાં અનામત આપવા બાબતે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચમાં ગુરૂવારે સુનાવણી થઈ હતી. મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રા, જસ્ટિસ કુરિયન જોસેફ, જસ્ટિસ આર.એફ. નરીમન, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતાવાળી બંધારણીય બેન્ચમાં પક્ષકારોના વકીલ શાંતિ ભૂષણે નાગરાજના ચૂકાદા અંગે પુનર્વિચાર કરવા અંગે કેન્દ્ર સરકારની અરજીનો વિરોધ કર્યો હતો. ભૂષણે જણાવ્યું કે, આ વોટ બેન્કની રાજનીતિ છે અને આ મુદ્દાને રાજકીય બનાવવા માટે આમ કરાઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે, બઢતીમાં ક્વોટા બંધારણની કલમ 16(4) અંતર્ગત સંરક્ષિત નથી. અહીં 'ક્રીમી લેયર'નો અંતરાય આવી જશે.
ભૂષણે જણાવ્યું કે, સરકારી નોકરીઓમાં બઢતીમાં SC/ST માટે ક્વોટા ફરજિયાત કરવાની મંજૂરી આપી શકાય નહીં. તે બંધારણની મૂળ સંરચનાનું ઉલ્લંઘન કહેવાશે. ભૂષણે નાગરાજના ચૂકાદાને ન્યાયસંગત ઠેરવતા કહ્યું કે, શું SC/ST માટે સરકારી નોકરીઓમાં બઢતીમાં અનામત વિવિધ કેડરો કે સેવાઓમાં તેમનાં પ્રતિનિધિત્વના અપૂરતા ડેટા વગર આપી શકાય? આ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવનારો સંક્ષિપ્ત પ્રશ્ન છે. નિમણૂકો માટે SC/ST માટે અનામતને પ્રારંભિક સ્તરે બઢતીના દરેક તબક્કે વધારી શકાય નહીં.
આ કેસની હવે પછી 29 ઓગસ્ટના રોજ સુનાવણી થશે.
કેન્દ્રએ એક હજાર વર્ષથી પછાત હોવાનો હવાલો આપ્યો હતો
વાત એમ છે કે, આ અગાઉ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, 2006માં નાગરાજ કેસમાં આવેલો ચૂકાદો SC/ST કર્મચારીઓની બઢતીમાં અનામત આપવામાં વિઘ્નરૂપ છે. આથી આ ચૂકાદા પર ફરીથી વિચાર કરવાની જરૂર છે. એટોર્ની જનરલ કે.કે. વેણુગોપાલે જણાવ્યું હતું કે, આ ચૂકાદામાં અનામત આપવા માટે લગાવાયેલી શરતો પર દરેક કેસ માટે અમલ કરવો વ્યવહારિક રીતે શક્ય નથી.
કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, 2006માં આવેલા આ ચૂકાદામાં જણાવ્યું હતું કે, પ્રમોશનમાં અનામત આપતાં પહેલાં એ સાબિત કરવાનું રહેશે કે, સેવામાં SC/STમાં પુરતું પ્રતિનિધિત્વ છે કે નહીં અને તેના માટે ડાટા આપવાનો રહેશે. કેન્દ્ર સકાર તરફથી હાજર રહેલા એટોર્ની જનરલે જણાવ્યું હતું કે, SC/ST સમુદાય સામાજિક અને આર્થિક રીતે પછાત રહ્યો છે. SC/ST વર્ગમં પછાતપણું સાબિત કરવાની જરૂર નથી. એટર્ની જનરલે વધુમાં જણાવ્યું કે, SC/ST સમુદાય છેલ્લા 1000 વર્ષથી જે ભોગવી રહ્યો છે, તેને સંતુલિત કરવા માટે SC/STને અનામત આપવામાં આવી છે. આ લોકો આજે પણ ઉત્પીડનનો ભોગ બની રહ્યા છે.
કેન્દ્ર સરકારે એમ. નાગરાજના ચૂકાદા બાબતે ઉઠાવ્યા સવાલ
2006ના એમ. નાગરાજ ચૂકાદા બાબતે સવાલ ઉઠાવતા એટોર્ની જનરલે જણાવ્યું હતું કે, ચૂકાદામાં અનામત આપવા માટે લગાવવામાં આવેલી શરતો પર દરેક કેસમાં અમલ કરવો વ્યવહારિક રીતે શક્ય નથી. તમે SC/STને નોકરીઓમાં અપુરતા પ્રતિનિધિત્વને કેવી રીતે સાબિત કરી શકશો? શું આ બાબત સમગ્ર વિભાગ માટે લુગ થશે. એટોર્ની જનરલે જણાવ્યું કે, સરકાર SC/ST સમુદાય માટે સરકારી નોકરીઓમાં 22.5 ટકા પદ પર બઢતીમાં અનામત લાગુ કરવા માગે છે. આ આંકડો જ નોકરીઓમાં તેમના વ્યાજબી પ્રતિનિધિત્વને સુનિશ્ચિત કરી શકે છે.
શું છે એમ. નાગરાજ ચૂકાદો
સુપ્રીમ કોર્ટે 2006માં એન. નાગરાજ અંગે એક ચૂકાદો આપ્યો હતો. કોર્ટે પોતાના ચૂકાદામાં જણાવ્યું હતું કે, 'ક્રિમી લેયર'નો અંતરાય સરકારી નોકરીઓમાં SC/ST અનામતમાં લાગુ કરી શકાય નહીં. જેવું અન્ય પછાત વર્ગ અંગે ક્રિમી લેયર બાબતે અગાઉ આપવામાં આવેલા બે ચૂકાદા 1992નો ઈન્દ્રા સાહની અને અન્ય વિ. કેન્દ્ર સરકાર (મંડલ આયોગ ચૂકાદો) અને 2005નો ઈ.વી. ચિન્નૈયા વિ. આંધ્રપ્રદેશના ચૂકાદામાં કહેવાયું હતું.