નવી દિલ્હીઃ ચૂંટણી કમિશનર અરૂણ ગોયલે લોકસભા ચૂંટણી પહેલા પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. રાજપત્ર નોટિફિકેશન અનુસાર, અરૂણ ગોયલનું રાજીનામું 9 માર્ચ 2024થી પ્રભાવી છે. ગોયલ, જેમને 21 નવેમ્બર 2022ના ચૂંટણી કમિશનરના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે પહેલા ભારત સરકારમાં ભારે ઉદ્યોગ મંત્રાલયના સચિવના રૂપમાં કાર્ય કર્યું હતું. તેમના રાજીનામા બાદ મુખ્ય ચૂંટણી કમિશનર હવે ચૂંટણી પંચનું નેતૃત્વ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરૂણ ગોયલ 2022માં બન્યા હતા ચૂંટણી કમિશનર
ભારતીય વહીટવી સેવાના પૂર્વ અધિકારી અરૂણ ગોયલની નવેમ્બર 2022માં ચૂંટણી કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. અરૂણ ગોયલે 31 ડિસેમ્બર, 2022ના 60 વર્ષની ઉંમરમાં નિવૃત્ત થવાનું હતું. ગોયલ 1985 બેચના પંજાબ કેડરના અધિકારી હતી. તે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાન્ડેયની સાથે ચૂંટણી પંચમાં સામેલ થયા હતા. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અનૂપ ચંદ્ર પાન્ડેયનો કાર્યકાળ પૂરો થયો હતો. ત્યારબાદ તે નિવૃત્ત થઈ ગયા હતા. હવે ચૂંટણી કમિશનર અરૂણ ગોયલે રાજીનામું આપી દીધું છે. 



ચૂંટણી કમિશનર અરૂણ ગોયલના રાજીનામા બાદ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની પાસે પદ બચ્યું છે. ભારતીય ચૂંટણી પંચમાં પહેલાથી એક પદ ખાલી હતું. આ સાથે ત્રણ સભ્યોની સમિતિમાં વધુ એક પદ ખાલી થઈ ગયું છે. લોકસભા ચૂંટણી નજીક છે. તેવામાં અચાનક અરૂણ ગોયલનું રાજીનામું ચોંકાવનારૂ પણ છે.