ચાર રાજ્યોના પરિણામો કોંગ્રેસ માટે ઝટકો, શું લોકસભા ચૂંટણી સુધી ટકશે ઈન્ડિયા ગઠબંધન?
ઈન્ડિયા ગઠબંધનના નેતાઓના આ પ્રકારના વલણને જોતાં સવાલ એ ઉઠી રહ્યા છે કે 2024ની લોકસભા ચૂંટણી સુધી વિપક્ષનું ગઠબંધન ટકી શકશે કે નહીં.
નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોએ જ્યાં ભાજપનો જનાધાર વધાર્યો છે, ત્યાં આ પરિણામોએ વિપક્ષના ઈન્ડિયા ગઠબંધનના અસ્તિત્વ સામે સવાલ ઉઠાવ્યા છે. વિપક્ષોની એકતામાં પડેલી તિરાડ વધુ પહોળી બની છે. સ્થિતિ એ છે કે હવે તો વિપક્ષના નેતાઓ જ ઈન્ડિયા ગઠબંધનની મશ્કરી ઉડાવી રહ્યા છે.
રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ સત્તા બચાવી નથી શકી અને મધ્ય પ્રદેશમાં સત્તાની નજીક પણ નથી પહોંચી શકી. આ નુકસાન ફક્ત કોંગ્રેસનું નથી, પણ વિપક્ષના ઈન્ડિયા ગઠબંધનનું છે. કેમ કે જો આ ચૂંટણીમાં સમગ્ર વિપક્ષની પરીક્ષા હતી.
તેલંગાણા સિવાયના ચાર રાજ્યોમાં નબળા દેખાવને કારણે ઈન્ડિયા ગઠબંધનના કેટલાક ઘટક પક્ષોએ કોંગ્રેસની કાર્યશૈલી સામે જ સવાલ ઉભા કર્યા છે.
નીતીશ કુમારના પક્ષ JDUના સાંસદ સુનીલ કુમાર પિંટુ અહીં જ નથી રોકાયા, તેમણે તો ઈન્ડિયા ગઠબંધનની બેઠકોને ફક્ત ચા-સમોસા પૂરતી મર્યાદિત ગણાવી છે. તેમનું કહેવું છે કે બેઠકોની વહેંચણી સુધી વિપક્ષી ગઠબંધન ફક્ત ચા-સમોસા પૂરતું મર્યાદિત છે. પાંચ રાજ્યોના પરિણામો બાદ તેમણે જ કહ્યું હતું કે મોદી હૈ તો મુમકિન હૈ. જેડીયુના સાંસદના આ શબ્દો જેડીયુમાં તેમના સંભવિત બળવા તરફ નિર્દેશ કરે છે. જો કે નીતિશકુમાર પક્ષમાંથી કાઢી મૂકે તો પણ તેમને ડર નથી..તેમણે તો આરજેડી સાથે જેડીયુના ગઠબંધન સામે પણ સવાલ ઉઠાવ્યા છે.
આ પણ વાંચો- ચૂંટણીની શરત પૂરી કરતા નેતાઓ, કોઈએ વચન પ્રમાણે અડધી મૂંછ-માથાના વાળ દૂર કરાવ્યા
આ સવાલો વચ્ચે બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ 17 પક્ષોના ફ્લોર લીડર્સની બેઠક યોજાઈ હતી. જેમાં સંસદના શિયાળુ સત્ર અને 2024ની લોકસભા ચૂંટણીની રણનીતિ પર ચર્ચા થઈ. કોંગ્રેસનો દાવો છે કે ઈન્ડિયા ગઠબંધનના મુખ્ય નેતાઓની બેઠકની તારીખ એક બે દિવસમાં નક્કી કરી લેવાશે.
ઉલ્લેખનીય વાત એ છે કે વિપક્ષની આ બેઠકમાં ટીએમસી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનો કોઈ નેતા હાજર નહતો રહ્યો. તેનું એક કારણ એ છે કે ટીએમસી પહેલાથી જ કોંગ્રેસ વિરોધી સૂર ઉચ્ચારતી આવી છે અને હવે તો ચાર રાજ્યોના પરિણામોએ ટીએમસીને કોંગ્રેસનો વિરોધ કરવાની મોટી તક આપી છે. તો સામે શિવસેનાએ બેઠકમાં ગેરહાજરી અંગે અંગત કારણ રજૂ કર્યું..
પાંચ રાજ્યોના પરિણામો બાદ વિપક્ષના ગઠબંધનમાં ઘમાસાણ મચ્યું છે. સમાજવાદી પાર્ટી સહિતના પક્ષો હવે લોકસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણી પર ભાર મૂકી રહ્યા છે. જો કે હકીકત એ છે કે વિપક્ષમાં જ્યાં મુખ્ય ચહેરાની પસંદગી હજુ બાકી છે, ત્યાં બેઠકોની વહેંચણી તો દૂરની વાત છે.
આ પણ વાંચોઃ OMG! ITના દરોડામાં એટલા પૈસા મળ્યા...ગણતા ગણતા મશીનો હાંફી ગઈ
ગઠબંધનના ભાવિની અનિશ્વતતા વચ્ચે તેલંગણામાં કોંગ્રેસની સરકાર રચાઈ ગઈ. રેવંત રેડ્ડીએ મુખ્યમંત્રી પદના શપથ લઈ લીધા...તેલંગણામાં જીત કોંગ્રેસ માટે મોટું આશ્વાસન છે. હવે હિમાચલ, કર્ણાટક અને તેલંગણામાં જ કોંગ્રેસની સરકાર છે, ત્યારે આ બાબતના જોરે પણ કોંગ્રેસ વિપક્ષમાં પોતાનું સ્થાન ઉપર રાખવાનો પ્રયત્ન કરી શકે છે. ત્યારે હવે જોવું એ રહેશે કે વિપક્ષની એકતાનું શું થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube