કોક્સ બાઝાર (બાંગ્લાદેશ): મયાંમારમાં રોહિંગ્યા સમુદાયના લોકો પર સેનાની કાર્યવાહીને એક વર્ષ પુરું થવા પ્રસંગે સમુદાયે 'ન્યાય'ની માગ કરી છે. મયાંમારના રખાઈન પ્રાન્તમાં ગયા વર્ષે 25 ઓગસ્ટના રોજ સેનાએ રોહિંગ્યા મુસલમાનો પર હુમલો કર્યો હતો. જેને સંયુક્ત રાષ્ટ્રએ 'જાતિય નરસંહાર' ઠેરવ્યો હતો. સેનાની આ કાર્યવાહી બાદ લગભગ 7 લાખ લોકોએ બાંગ્લાદેશના શરણાર્થી શિબિરોમાં આશરો લીધો હતો. આજે હજારો લોકોએ એક શાંતિપૂર્ણ રેલી કાઢી હતી અને 'અમે સંયુક્ત રાષ્ટ્ર પાસે ન્યાય માગીએ છીએ'ના નારા લગાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


એક મોટા બેનર પર "રોહિંગ્યા નરસંહાર દિવસ, 25 ઓગસ્ટ" લખ્યું હતું. કેટલાક લોકો 'રોહિંગ્યાને બચાવો'ના બેનર લઈને ચાલતા હતા અને કેટલાકના હાથમાં ઝંડા પણ હતા. કાર્યકર્તાઓએ 'એએફપી'ને જણાવ્યું કે, દુનિયાનું સૌથી મોટું શરણાર્થી શિબિર બની ગયેલા આ વિસ્તારમાં હજારો લોકો રેલીમાં જોડાયા હતા. 



'મેડિસિન્સ સેન્સ ફ્રન્ટિયર્સ'ના અનુસાર રોહિંગ્યા લોકોએ ગયા વર્ષે 25 ઓગસ્ટના રોજ મયાંમાર પોલીસ ચોકીઓ પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ રખાઈન પ્રાન્તમાં આ લોહિયાળ કાર્યવાહી કરવામાં આવી હતી. એક મહિના સુધી ચાલેલા હિંસાચારમાં લગભગ 7000 રોહિંગ્યા સમુદાયના લોકોનાં મોત થયા હતા. સેનાની કાર્યવાહીથી બચવા માટે રોહિંગ્યા સમુદાયના લોકો ચાલીને કે હોડીઓમાં સવાર થઈને બાંગ્લાદેશમાં શરણ લેવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન મહિલાઓ પર સામુહિક બળાત્કાર, હિંસા અને ગામડાઓને સળગાવી દેવા જેવી ઘટનાઓ થઈ હતી.