નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સર સંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, અટલ બિહારી વાજપેયીએ એક ખુબ જ ઉથલ પાથળવાળા ક્ષેત્રમાં રહીને પણ ખુબ જ સંયમીત વ્યવહાર જાળવી રાખ્યો હતો. જેવી વિપરીત પરિસ્થિતીમાં તેમણે કામ કર્યું તેવા ઉદાહરણો મળવા મુશ્કેલ છે. અટલજીએ ભારતમાં ગઠબંધન સરકારનાં પ્રયોગોને સફળ કરી દેખાડ્યા હતા અને તેમનાં વ્યવહારની કુશળતાના કારણે તમામ ગઠબંધન સહયોગી આજે પણ તેમનાં પ્રશંસક છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલી આપવા માટે રાજધાની દિલ્હીનાં ઇંદિરા ગાંધી સ્ટેડિયમમાં આયોજીત એક શોકસભામાં તેમણે કહ્યું કે, તેમની અંદર એક સ્વયં સેવકની સંવેદના અને કાર્યકુશળતા હતી. આરએસએસ ચીફે કહ્યું કે, તેમને અટલજી સાથે લાંબો સંસર્ગ તો નથી રહ્યો, પરંતુ અટલજીનાં ભાષણને સાંભળવા માટે તેઓ જરૂર જતા હતા. અટલજીની તમામ વર્ગનાં લોકો સાથે મિત્રતા હતી. 

મોહન ભાગવતે કહ્યું કે, મને તેમનું વધારે સાનિધ્ય મળ્યું નથી, જો કે અમે ઘણીવાર તેમના ભાષણો સાંભળવા માટે જતા હતા. મે તેમને કોલેજ દરમિયાન જોયા હતા. તેમની પાસે દરેકને પોતાનો મિત્ર બનાવવાની ખુબ જ સારી કળા હતી, તેમના શબ્દ અને તેમનું જીવન તમામ લોકો માટે આદર્શ છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્ર નિર્માણના આ વૃક્ષને મુળમાંથી ખેંચીને મોટુ કરવામાં અટલજીનું ઘણુ મોટુ યોગદાન હતું.