નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રૂબૈયા સઈદનું અપહરણ કરનારમાં અલગાવવાદી નેતા યાસીન મલિક પણ સામેલ હતો. રૂબૈયા સઈદે શુક્રવારે સીબીઆઈની વિશેષ કોર્ટમાં સાક્ષી દરમિયાન પોતાના અપહરણકર્તાની ઓળખ કરી છે. રૂબૈયા સઈદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની બહેન છે. સઈદનું 8 ડિસેમ્બર 1989માં અપહરણ કરી લેવામાં આવ્યું હતું. 13 ડિસેમ્બરે પાંચ આતંકીઓને છોડાયા બાદ રૂબૈયા સઈદને મુક્તિ મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીબીઆઈએ 1990ની શરૂઆતમાં અપહરણના આ કેસની તપાસ પોતાના હાથમાં લીધી હતી. આ પ્રથમવાર છે જ્યારે રૂબૈયા સઈદને મામલાના સિલસિલામાં કોર્ટમાં રજૂ થવાનું કહેવામાં આવ્યું હતું. રૂબૈયા સઈદ તમિલનાડુમાં રહે છે. સઈદને ફરિયાદ પક્ષે સાક્ષી તરીકે રજૂ કરી હતી.


ઘટનાના આશરે 31 વર્ષથી વધુ સમય બાદ યાસીન મલિક અને નવ અન્ય વિરુદ્ધ કોર્ટે પાછલા વર્ષે જાન્યુઆરીમાં આરોપો નક્કી કર્યાં હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે હવે આ મામલાની સુનાવણીની આગામી તારીખ 23 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. યાસીન મલિકને હાલમાં ટેરર ફન્ડિંગ મામલામાં કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. 


આ પણ વાંચોઃ શું છે ઈલેક્ટ્રિક હાઈવે? દિલ્લી-મુંબઈ વચ્ચે આ હાઈવે બનાવવાની છે યોજના, જાણો સમગ્ર વિગત


બે કેસમાં આજીવન કેદની સજા, 5માં 10 વર્ષની જેલ
યાસીન મલિકને બે મામલામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે અને 5 કેસમાં 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તમામ સજાઓ એક સાથે ચાલશે અને વધુમાં વધુ સજા આજીવન કેદની છે. આ રીતે યાસીન મલિક આજીવન જેલમાં રહેશે. યાસીન મલિક પર આતંકી ગતિવિધિઓમાં સામેલ થવા, ટેરર ફન્ડિંગ કરવા, આતંકી ષડયંત્ર રચવા અને ભારત વિરુદ્ધ યુદ્ધ શરૂ કરવા જેવા આરોપો હેઠળ ઘણા કેસ નોંધાયેલા છે. 


ફાંસીની સજાની થઈ હતી માંગ
એનઆઈએએ ટેરર ફન્ડિંગ કેસમાં દોષિ સાબિત થયેલા યાસીન મલિકને સજા આપવાની માંગ કરી હતી. એનઆઈએએ કહ્યું હતું કે મલિકે જે ગુનાને અંજામ આપ્યો છે, તે જોતા તેને ફાંસીની સજા આપવી જોઈએ. યાસીન મલિકે કેસની સુનાવણી દરમિયાન ખુદ પણ પોતાના ગુનાનો સ્વીકાર કર્યો હતો અને વકીલ પણ પરત કરી દીધો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube