ધરાશાયી થયો રૂપિયો, ઇતિહાસમાં પહેલીવાર 74નાં તળીયે પહોંચ્યો
અમેરિકી ડોલરની તુલનાએ ભારતીય રૂપિયો 74નાં સ્તરે પાર પહોંચ્યો, નિષ્ણાંતોએ 80 સુધી પહોંચવાની શક્યતાઓ વ્યક્ત કરી
નવી દિલ્હી : અમેરિકી ડોલરની તુલનાએ ભારતીય રૂપિયામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલી મૌદ્રીક નીતિ પણ આ ઘટાડાને અટકાવવા અસમર્થ રહી હતી. ઉલ્ટું ઘટાડો અચાનક વધી ગયો હતો. ઇતિહાસમાં પહેલીવાર ભારતીય રૂપિયો એક ડોલરની સામે ઘટીને 74ની સપાટી વટાવી ગયો છે.
રિઝર્વ બેંકે પોતાની મૌદ્રીક નીતિમાં રેપો રેટમાં કોઇ જ પરિવર્તન નહી કરતા રેપોરેટ 6.50 ટકા પર યથાવત્ત રાખ્યો હતો. મૌદ્રિક પોલીસી પણ રૂપિયાનો ઘટાડો અટકાવી શકી નહોતી. શેરબજારમાં પણ વેચવાલી જોવા મળી હતી જેનાં કારણે રૂપિયો પણ સતત દબાણમાં જોવા મળી રહ્યો હતો. સમાચાર લખાઇ રહ્યા છે ત્યાં સુધી રૂપિયો 74.23 પર ટ્રેડ થઇ રહ્યો છે. અગાઉ ગુરૂવારે 73.58નાં સ્તર પર બંધ થયો હતો. રૂપિયામાં 2018 દરમિયાન 13.5 ટકાનો ઘટાડો થઇ ચુક્યો છે. આ વર્ષે એશિયાનું સૌથી ખરાબ પ્રદર્શન કરનાર નાણું ભારતીય રૂપિયો બન્યો છે.
આ પણ વાંચો : આરબીઆઇએ શું ફેરફાર કર્યો રેપોરેટમાં?
શું પડશે અસર
રૂપિયામાં ઘટાડો જો આ પ્રકારે જ ચાલુ રહ્યો તો સરકાર પર સૌથી પહેલી અસર પેટ્રોલ- ડીઝલ મુદ્દે પડશે. કારણ કે પેટ્રોલ- ડીઝલ મુદ્દે સીધી રાજનીતિ થતી હોય છે. ઉપરાંત આ વર્ષે ઘણા મહત્વનાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આયોજીત થઇ રહી છે. તો બીજી તરફ આવતા વર્ષે 2019માં લોકસભા ચૂંટણી પણ યોજાવાની છે. એવામાં સરકાર કોઇ પણ પ્રકારનું રાજનીતિક જોખમ નહી ઉઠાવે. કાલે જ સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને 2.50 રૂપિયાનો સીધો ઘટાડો કર્યો છે.
આ પણ વાંચો : બ્લેક ફ્રાઇડે રોકાણકારો રોયા...
જો કે રૂપિયો આમ જ ઘટતો રહેશે તો સરકારે મજબુર થઇને પેટ્રોલ -ડીઝલની કિંમતમાં વધારો કરવો પડશે. અથવા જો વધારો ન કરે તો સરકારે પોતે નુકસાન વેઠવાનો વારો આવશે. દેશ પર આ ઉપરાંત આયાત - નિકાસનું ગણીત પણ બગડી જશે. જ્યાં આયાત મોંઘુ થશે તેનાં કારણે સામાન્ય લોકોને પણ તેનું નુકસાન વેઠવું પડશે. નિષ્ણાંતોનું માનવું છે કે રૂપિયામાં સતત થઇ રહેલા ઘટાડાનો આ દોર અટકે તેવી શક્યતા નહીવત્ત છે. રૂપિયો ડોલરની તુલનાએ 80 રૂપિયા સુધી પહોંચે તેવી પણ શક્યતાઓ નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે. આગામી સમય અર્થતંત્ર માટે પડકાર રુપ છે.