સુપ્રીમના ચુકાદા બાદ આવતીકાલે ખુલશે સબરીમાલા મંદિરના દ્વાર, કેરળમાં તણાવભર્યો માહોલ
પર્વત પર આવેલા સબરીમાલા મંદિરથી લગભગ 20 કિમી દૂર બેઝ કેમ્પ નિલાકલમાં પરંપરાગત સાડી પહેરેલી મહિલાઓના જૂથનાં દરેક વાહનને રોકવામાં આવી રહ્યા છે
તિરૂવનંતપુરમઃ કેરળમાં માસિક પૂજા માટે ભગવાન અયપ્પાનું મંદિર બુધવારે ખુલવાનું છે. સબરીમાલા મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર કહેવાતા નિકાલકલમાં તણાવ પેદા થઈ ગયો છે, કેમ કે મંગળવારે ભક્તોએ પ્રતિબંધિત વયજૂથની મહિલાઓને મંદિર તરફ લઈને આવતા વાહનોને અટકાવી દીધા છે.
સુપ્રીમ કોર્ટે તમામ વયજૂથની મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશ આપવા અંગે આપેલા ચૂકાદા બાદ અહીં પરિસ્થિતિ તંગ બની ગઈ છે. પશ્ચિમ ઘાટની પર્વતશ્રૃંખલા પર આવેલા આ મંદિરના દરવાજા સુપ્રીમના ચૂકાદા બાદ બુધવારે પ્રથમ વખત ખુલી રહ્યા છે. મુખ્યમંત્રી પી. વિજયને જણાવ્યું કે, સબરીમાલા મંદીરમાં જતા શ્રદ્ધાળુઓને રોકવાની કોઈને પણ મંજુરી અપાશે નહીં.
આજના યુગમાં ક્યાંય ઘીની નદીઓ વહે છે, તો તે છે ગુજરાતનું આ ગામ
કેરળ રાજ્ય પરિવહન નિગમની બસો પણ અટકાવી
ખાનગી વાહનો ઉપરાંત શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલી કેરળ રાજ્ય પરિવહન નિગમની બસોને પણ અટકાવવામાં આવી છે. તેમાંથી યુવતીઓને ઉતરી જવા માટે જણાવાઈ રહ્યું છે. આ ઘટના સમયે ત્યાં પોલીસની સંખ્યા ઘણી જ ઓછી હતી.
એક મહિલા આંદોલનકારીએ જણાવ્યું કે, 'પ્રતિબંધિત ઉંમર 10થી 50 વર્ષના વયજૂથની મહિલાઓને નિકાલતથી આગળ જવા દેવાશે નહીં અને તેમને મંદિરમાં પૂજા કરવાની પણ મંજુરી અપાશે નહીં.'
ઉલ્લેખનીય છે, મંદિરને મલયાલમ થુલામ મહિનામાં 5 દિવસની માસિક પૂજા બાદ 22 ઓક્ટોબરના રોજ બંધ કરી દેવાયું હતું.
હવે, આવતીકાલે બુધવારે તેને ફરીથી ખોલવામાં આવી રહ્યું છે. સુપ્રીમના ચૂકાદા મુજબ 10 થી 50 વર્ષના વયજૂથની મહિલાઓ પણ તેમને મળેલા અધિકાર મુજબ મંદિરમાં પૂજા કરવા મંદિર તરફ પ્રયાણ કરી રહી છે. બુધવારે મંદિરના પટાંગણમાં ભારે સંઘર્ષ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે.