પૂર્વ નાણા સચીવ શક્તિકાંત દાસ બનશે RBIના નવા ગવર્નર
શક્તિકાંત દાસનું નામ એટલા માટે સૌથી આગળ હતું, કેમ કે કેન્દ્રીય આર્થિક બાબતોના સચિવ તરીકે શક્તિકાંત દાસ દેશના સૌથી શક્તિશાળી લોકોમાંના એક છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા RBIના નવા ગવર્નર તરીકે પૂર્વ નાણા સચીવ શક્તિકાંત દાસના નામની જાહેરાત કરાઈ છે. તેમનો કાર્યકાળ 3 વર્ષનો રહેશે.
26 ફેબ્રુઆરી, 1957ના રોજ જન્મેલા શક્તિકાંત દાસ ઈતિહાસમાં એમ.એ. અને તમિલનાડુ કેડરના આઈએએસ અધિકારી છે. તેઓ નિવૃત્તિ બાદ વર્તમાનમાં ભારતના 15મા નાણા પંચ અને શેરપા G-20માં ભારતના પ્રતિનિધિ તરીકે સભ્ય છે.
તેમણે ભારતના આર્થિક બાબતોના સચિવ, ભારતના મહેસુલ સચિવ અને ભારતના ખાતર વિભાગના સચિવ તરીકે પણ કામ કરેલું છે. કેન્દ્રીય આર્થિક બાબતોના સચિવ તરીકે પોતાના કાર્યકાળ દરમિયાન શક્તિકાંત દાસને ભારતના સૌથી શક્તિશાળી લોકોમાંના એક માનવામાં આવતા હતા.
ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે સોમવારે સાંજે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. સ્વાયત્તતાના મુદ્દે સરકાર અને આરબીઆઈ વચ્ચે ખેંચતાણ બાદ ઉર્જિત પટેલ નારાજ ચાલતા હતા. તેમના રાજીનામા બાદ સૌથી મોટો સવાલ ઉભો થયો હતો કે, RBIના વડાની મહત્વપૂર્ણ જવાબદારી કોને સોંપાઈ શકે છે?
સામાન્ય પરિસ્થિતિમાં RBIમાં જે નંબર-2 હોય તેને ગવર્નરની જવાબદારી મળતી હોય છે. RBIમાં નંબર-2 પદ પર વીરલ આચાર્ય છે. હકીકતમાં સરકાર અને RBI વચ્ચેના વિવાદની શરૂઆત જ વીરલ આચાર્યની ટીપ્પણી બાદ થઈ હતી. જેમાં, તેમણે RBIની સ્વાયત્તતાના મુદ્દે સરકાર સામે કેટલાક પ્રશ્નાર્થ ઊભા કર્યા હતા. આથી, વચગાળાના ગવર્નર તરીકે તેમની નિમણૂક થવાની સંભાવના ન હતી.
હવે જો વીરલ આચાર્યને આ જવાબદારી ન સોંપાય તો ત્રીજા નંબરના સૌથી વરિષ્ઠ અધિકારીને ઉર્જિત પટેલની જવાબદારી આપી શકાય એમ હતું કે પછી સરકાર બહારથી કોઈ વ્યક્તિને લાવીને બેસાડી શકે એમ હતું. આથી, કેન્દ્ર સરકારે બહારથી એક નવી વ્યક્તિને RBIના ગવર્નર બનાવવાનો નિર્ણય લીધો છે.