નવી દિલ્હી: ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર ઉર્ફે રાવણે જેલમાંથી બહાર નીકળતા જ ભાજપ પર પ્રહારો કરવાનું શરૂ કરી દીધુ છે. ચંદ્રશેખરને મોડી રાતે છોડવામાં આવ્યો. ચંદ્રેશેખરે જેલની બહાર હાજર સમર્થકોની સાથે કૂચ કરી અને તેમને સંબોધિત કરતા ભાજપ પર પ્રહારો કર્યાં. ચંદ્રશેખરે પોતાના હાથમાં બંધારણની એક પ્રતિકૃતિ દેખાડતા કહ્યું કે હજુ તો લડાઈ શરૂ થઈ છે. 2019માં ભાજપને સત્તામાંથી ઉખાડી ફેંકીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે યુપીની યોગી સરકારે ગુરુવારે રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન (NSA) જેલમાં બંધ ચંદ્રશેખરને સમય કરતા વહેલો છોડી મૂકવાનો નિર્ણય લીધો. જે મુજબ ચંદ્રશેખરને 2.24 વાગે જેલમાંથી છોડી મૂકાયો. ચંદ્રશેખર ગત વર્ષ સહારનપુરમાં થયેલી જાતીય હિંસાના આરોપમાં ધરપકડ કરાયો હતો. 



2019માં ભાજપને ઉખાડી ફેંકીશું


જેલમાંથી બહાર આવતા જ રાવણે સીધો યુપી સરકાર પર પ્રહાર કરવાનો શરૂ કરી દીધો. તેણે કહ્યું કે હજુ તો લડાઈ શરૂ થઈ છે. હવે સરકાર સાથે સીધી લડાઈ લડવામાં આવશે. તેણે કહ્યું કે હું મારા લોકોને 2019માં ભાજપને સત્તામાંથી ઉખાડી ફેંકવા માટે કહીશ. તેણે કહ્યું કે સરકાર સુપ્રીમ કોર્ટના આદેશથી ડરી ગઈ હતી. આથી મારા છૂટકારાના આદેશ જલદી આપીને પોતાને બચાવી રહી છે.


યુપી સરકારે આપ્યા હતાં છોડી મૂકવાના આદેશ
આ અગાઉ ગઈ કાલે મોડી સાંજે રાવણના છૂટકારાના આદેશ જારી કરાયા હતાં. પહેલા પ્રશાસનિક અધિકારી રાવણના છૂટકારાને લઈને અસમંજસની સ્થિતિમાં હતાં પરંતુ સહારનપુર જેલની બહાર ભીમ આર્મીના હજારો કાર્યકર્તાઓ ભેગા થઈ ગયા હતાં અને ત્યારબાદ બેકફૂટમાં આવેલા પ્રશાસને મોડી રાતે જ રાવણને છોડી મૂકવો પડ્યો.


2017માં થઈ હતી ધરપકડ
અત્રે જણાવવાનું કે સહારનપુરમાં ગત વર્ષે શ્રેણીબદ્ધ રીતે જાતિય હિંસામાં ચાર લોકોના મોત થયા હતાં. શબ્બીરપુર હિંસા બાદ ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર રાવણની ધરપકડ બાદ રાસુકાની કાર્યવાહી થઈ હતી. છેલ્લા 15 મહિનાથી સહારનપુર જેલમાં રાવણ સજા કાપી રહ્યો હતો. થોડા  દિવસ પહેલા જ રાવણની માતાએ પ્રદેશ સરકારને તેને છોડી મૂકવા માટે ગુહાર લગાવી હતી. ત્યારબાદ ગુરુવારે જ પ્રદેશ સરકારે રાવણના છૂટકારાના આદેશ જારી કર્યા હતાં. 


અત્રે જણાવવાનું કે ભીમ આર્મીનો યુપી વેસ્ટમાં ખુબ પ્રભાવ છે. ભીમ આર્મી દલિત આંદોલનના સહારે આ વિસ્તારમાં પોતાના મૂળિયા મજબુત અને ઊંડા કરવા માંગે છે. ભાજપના ટોચના નેતાઓએ પણ સ્વીકાર્યુ છે કે કૈરાના અને નૂરપુરની પેટાચૂંટણીમાં ભાજપની હારનું એક કારણ ભીમ આર્મી હતી. ભાજપનું માનવું છે કે આ વિસ્તારોમાં ભીમ આર્મીએ દલિતો અને મુસ્લિમોમાં એકજૂથતા કરવામાં સફળતા મેળવી છે.