જોધપુર: બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને 1998ના કાળિયાર શિકાર કેસમાં આજે જોધપુરની કોર્ટે પાંચ વર્ષ જેલની સજા સંભળાવી. જ્યારે અન્ય ચાર આરોપીઓને છોડી મૂક્યા જેમાં તબ્બુ, સોનાલી બેન્દ્રે, સૈફ અલી ખાન અને નીલમનો સમાવેશ થાય છે. ચુકાદો આવ્યાં બાદ સલમાનને જોધપુરની સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યો. સલમાન ખાનને કેદી નંબર 106 આપવામાં આવ્યો છે. તેને વોર્ડ નંબર 2માં રાખવામાં આવ્યો છે. જેલમાં લઈ જવા પર સલમાન ખાનનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો જો કે તેને કોઈ સમસ્યા નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોધપુર ડીઆઈજી(જેલ) વિક્રમ સિંહે જણાવ્યું કે જ્યારે સલમાન ખાનને જેલમાં લઈ જવામાં આવ્યો તો તે થોડો ડિપ્રેશનમાં હતો. સિંહે દાવો કર્યો કે સલમાન ખાનને કોઈ વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી નથી. તેને સામાન્ય કેદીની જેમ જ રાખવામાં આવશે. સુરક્ષાનો પુરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સલમાન ખાનને જેલના કપડાં કાલે આપવામાં આવશે. સિંહે વધુમાં જણાવ્યું કે સલમાન ખાનને રાતે ખાવાનું આપવામાં આવ્યું છે પરંતુ તેણે ભોજન કરવાની ના પાડી દીધી. તેને જેલના વાસણોમાં જ ખાવાનું અપાશે.


સલમાને કોઈ ડિમાન્ડ કરી નથી
કાળિયારના શિકાર મામલે દોષિત ઠરેલા સલમાન ખાને જો કે જેલમાં ગયા બાદ કોઈ ડિમાન્ડ કરી નથી. આ અગાઉ 52 વર્ષના સલમાનને કાયદા દ્વારા પ્રતિબંધિત લુપ્તપ્રાય પ્રજાતિના બે કાળા હરણ (કાળિયાર)ના શિકાર માટે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 9/51 મુજબ દોષિત ઠેરવવામાં આવ્યો. આ ઘટના બોલિવૂડની ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'ના શુટિંગ દરમિયાન 1-2 ઓક્ટોબર 1998ના રોજ જોધપુર નજીકના કનકની ગામમાં ઘટી બની હતી.



અભિનેતાના પક્ષનું પ્રતિનિધિત્વ હસ્તિમલ સારસ્વત કરી રહ્યાં હતાં. સલમાન ખાનને આ ચુકાદો મુખ્ય ન્યાયિક દંડાધિકારી દેવકુમાર ખત્રીએ સંભળાવ્યો. આ દરમિયાન સલમાન ખાનની બહેન અલવિરા અને અર્પિતા પણ હાજર હતાં. મામલાની સુનાવણી છેલ્લા 19 વર્ષથી જારી હતી. કોર્ટે 28 માર્ચના રોજ છેલ્લી દલીલ બાદ ચુકાદાને અનામત રાખ્યો હતો. જીવ રક્ષા બિશ્નોઈ સભાએ અન્ય આરોપીઓને છોડી મૂકવાના ચુકાદાનો વિરોધ કર્યો છે. સંગઠનના રાજ્ય અધ્યક્ષ શિવરાજ બિશ્નોઈએ કહ્યું કે તેમને છોડી મૂકવાના ફેસલાને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે.