Bypoll Results: ફૂલપુરમાં કરમાયું કમળ, સમાજવાદી પાર્ટીની શાનદાર જીત
ઉત્તરપ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યની ખાલી પડેલી લોકસભાની બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે.
લખનઉઃ ઉત્તરપ્રદેશ અને બિહારની ત્રણ લોકસભા અને બે વિધાનસભા સીટો પર થયેલી પેટાચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. ઉત્તર પ્રદેશના ફૂલપુરમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધને ભારતીય જનતા પાર્ટીને પરાજય આપ્યો છે. ફૂલપુરમાં સપાના ઉમેદવાર નાગેન્દ્ર પટેલે બીજેપીના કોશલેન્દ્ર પટેલને 59613 મતથી હરાવ્યો છે. ફૂલપુર યૂપીના ઉપ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યની સીટ હતી.
ફૂલપુર લોકસભા સીટ પર સમાજવાદી પાર્ટીની મોટી જીત થઈ છે. સપાના ઉમેદવારે બીજેપીના ઉમેદવારને હરાવ્યો છે. સમાજવાદી પાર્ટીને 342796, બીજેપીને 283183, અતીત અહમદને 48087, કોંગ્રેસને 19334 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે.
રાહુલ ગાંધીએ કર્યું ટ્વીટ
પેટાચૂંટણીના પરિણામો પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે. તેમણે ટ્વીટમાં લખ્યું, ''આજની પેટાચૂંટણીમાં જીતનારા ઉમેદવારને શુભેચ્છાઓ.. પરિણામ સ્પષ્ટ છે કે મતદાતાઓને ભાજપ પ્રત્યે ક્રોધ છે અને ગેર ભાજપ ઉમેદવાર માટે વોટ કરશે જેની જીતવાની સંભાવના વધુ હોય. કોંગ્રેસ યૂપીના નવનિર્માણ માટે તત્પર છે, આ રાતોરાત નહીં થાય."
જીત બાદ સપાના ઉમેદવારે માયાવતીનો માન્યો આભાર
ફૂલપુર લોકસભાની સીટ પર જીત મેળવ્યા બાદ સપાના ઉમેદવાર નાગેન્દ્ર સિંહ પટેલે જણાવ્યું કે, બહેનજીના આશિર્વાદ હતા. એક વિચારધારાની બધી પાર્ટીઓ સાથે આવી અને અમારી જીત થઈ. જીતનો શ્રેય અખિલેશજી, બહેન માયાવતીજી અને ફૂલપુરની જનતાને આપુ છું.
કેશવ પ્રસાદ મૌર્યએ હાર સ્વીકારી
યૂપીની ફૂલપુર લોકસભા સીટનું પરિણામ જાહેર થઈ ગયું છે. સમાજવાદી પાર્ટીના ઉમેદવારે ભાજપના ઉમેદવારને હરાવ્યો છે. ભારતીય જનતા પાર્ટી તેની સીટ બચાવવામાં નિષ્ફળ રહી. આ સીટ પર 2014માં યૂપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય જીત્યા હતા. તેણે હારનો સ્વીકાર કરતા કહ્યું કે, પરિણામ અમારા માટે વિપરિત છે. અમે તેની સમિક્ષા કરીશું.
કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે, તેને આશા ન હતી કે બીએસપીની વોટબેંક સપાને મળશે, પરંતુ અમારા માટે સપા-બસપા ગઠબંધન પડકાર નથી. કેશવ પ્રસાદે કહ્યું કે, અમે ઘણી મહેનત કરી હતી પરંતુ ક્યા કારણે શું થયું તે વિચારવાની વાત છે.