નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા સંજય નિરૂપમની ફરી એક વખત જીભ લપસી ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે વાંધાજનક શબ્દોનો પ્રયોગ કરતાં રાજકીય ક્ષેત્રે અત્યારે હોબાળો મચી ગયો છે. તેમણે દેશના વડા પ્રધાનના અભ્યાસ અને તેમની પૃષ્ઠભુમિ અંગે એવી ભાષાનો પ્રયોગ કર્યો છે જેને લખી પણ શકાય એમ નથી. તેમણે વડા પ્રધાન મોદીના જીવન પર બનેલી ફિલ્મ 'ચલો જીતે હૈં'ને મહારાષ્ટ્રની શાળાઓમાં દેખાડવાના નિર્ણય અંગે ટિપ્પણી કરતાં વડા પ્રધાન અંગે આવા અપશબ્દોનો પ્રયોગ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગશે હેડવલેની ફિલ્મ 'ચલો જીતે હૈં' આવતા મંગળવારે મહારાષ્ટ્રની તમામ શાળાઓમાં બતાવામાં આવનારી છે. લગભગ અડધા કલાકની આ ડોક્યુમેન્ટરી ફિલ્મ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી છે. આ ફિલ્મને શાળાઓમાં બતાવવા અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા સમયે સંજય નિરૂપમે અપશબ્દનો ઉપયોગ કર્યો છે. 


નિરૂપમે રાજકીય સ્તર અને મર્યાદને નજરઅંદાજ કરતા વડા પ્રધાન મોદી માટે એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે જેને અહીં લખી શકાય એમ પણ નથી. તેની સાથે જ નિરૂપમે જણાવ્યું કે, 'દેશના યુવાનોને પીએમની ડિગ્રી અંગે ખબર નથી. જ્યારે દેશના બાળકોને પીએમ મોદી પર બનેલી ફિલ્મ દેખાડવામાં આવી રહી છે. જે ખોટું છે. બાળકોને રાજનીતિથી દૂર રાખવા જોઈએ.'


આ અગાઉ પણ કોંગ્રેસના નેતાઓ વડા પ્રધાન અંગે અપમાનજનક ટપ્પિણી કરતા રહ્યા છે. કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે ગયા વર્ષે ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદીને નીચ કહ્યા હતા. અય્યરના આ પ્રકારના નિવેદનની ભારે ટીકા થઈ હતી, તેમ છતાં કોંગ્રેસના નેતાઓ બોધપાઠ લેવા તૈયાર નથી.