ઝી બ્યૂરો, અમદાવાદઃ 27 સપ્ટેમ્બર, 1873ના રોજ ઝવેરભાઈ અને લાડબાના ઘરે વિઠ્ઠલભાઈ પટેલનો જન્મ થયો. સરદારની જેમ તેમનો જન્મ પણ ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલાં કરમસદમાં થયો હતો. અને કરમસદમાં જ તેમનો ઉછેર પણ થયો હતો. વિઠ્ઠલભાઈ પટેલ ઝવેરભાઈ અને લાડબાનું ત્રીજું સંતાન હતા. ઝવેરભાઈ એક ખેડૂત હોવા છતાં પોતાના સંતાનોના અભ્યાસ બાબતે ખુબ જ સજાગ હતાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક દિવસ પુત્ર સરકારી નોકરી મેળવે તેવી આશાએ તેમણે પાંચ વર્ષની વયે વિઠ્ઠલભાઈનો દાખલો કમરસદ ગામની શાળામાં કરાવ્યો હતો. આગળ જતાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ માધ્યમિક શિક્ષણ માટે કરમસદ કે આસપાસનાં ગામમાં શાળા નહોતી. જેથી આગળના અભ્યાસ માટે તેમને નડિયાદ તેમના મામાને ત્યાં મોકલી દેવાયા. નાનપણથી જ તેમનામાં લીડરશીપ ક્વોલિટી હતી. તેઓ મહાન વિભૂતિઓના પુસ્તકોનું પઠન કરતા હતાં. 


વિઠ્ઠલભાઈ પર પરીક્ષામાં ચોરીનો આરોપ લાગ્યોઃ
માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી વખતે એક વખત તેમના પર પરીક્ષામાં ચોરી કર્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. હેડ માસ્તરને વિઠ્ઠલભાઈની જવાબવહીમાંનો જવાબ અક્ષરસ: પુસ્તકમાંથી ઉતારાયો હોય એવું લાગ્યું. જોકે, બાદમાં અન્ય એક માસ્તર ચતુરભાઈ પટેલે હેડ માસ્તરને ખાતરી આપી કે તેમની શંકા પાયાવિહોણી છે. વિઠ્ઠલભાઈની પરીક્ષા માટે થોડી મિનિટોના વાંચન બાદ એક ફકરો અક્ષરશ: યાદ કરીને લખવા કહેવામાં આવ્યું. વિઠ્ઠલભાઈએ સરળતાથી આ કામ કરી બતાવતા શિક્ષકો પણ અચરજમાં પડી ગયાં.


ફાયદા લખવાનું કિધું છતાં તેમણે અંગ્રેજી શાસનના ગેરફાયદા જણાવ્યાંઃ
શાળામાં એક વખત શિક્ષકે તેમને ભારત પર અંગ્રેજશાસનના ફાયદા વિશે નોંધ લખવા કહ્યું. પરંતુ તેમણે આ પ્રશ્નના જવાબમાં તમામ ગેરફાયદાઓ જ ગણાવ્યા. આમ, વિદ્યાર્થી અવસ્થાથી જ તેમનામાં દેશદાઝના ગુણો દેખાઈ આવ્યા. તે સમયે કોઈએ નહીં વિચાર્યું હોય કે એક સામાન્ય ખેડૂતનો મસ્તીખોર પુત્ર આગળ જઈને ભારતની કેન્દ્રીય ધારાસભાનો પ્રથમ ભારતીય પ્રમુખ બનશે. 1890માં સ્કૂલ ફાઇનલ અને મેટ્રિક્યુલેશનની પરીક્ષા એકસાથે આપી જેમાં અસફળ થયા. 1891માં યુનિવર્સિટી સ્કૂલ ફાઇનલ પરીક્ષા પાસ કરી. 1895માં ડિસ્ટ્રિક્ટ વકીલની પરીક્ષા પાસ કરી.