મેરઠ: સરધણાના ભાજપના ધારાસભ્ય સંગીત સોમને મારવાના ષડયંત્ર હેઠળ બુધવારે રાતે માલ રોડ સ્થિત તેમના નિવાસ સ્થાન પર ફાયરિંગ કરવામાં આવ્યું. આ ઉપરાંત તેમના ઘરની અંદર હેન્ડ ગ્રેનેડ પણ ફેંકાયો. હુમલો થયો ત્યારે ધારાસભ્ય સંગીત સોમ ઘરમાં હાજર હતાં. બદમાશો સ્વિફ્ટ કારમાં સવાર થઈને આવ્યાં હતાં. ઘટનાની સૂચના મળતા જ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ભારે પોલીસદળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયાં અને ઘટનાની તપાસ હાથ ધરી. કહેવાય છે કે બદમાશો ઘટનાને અંજામ આપ્યા બાદ કમિશ્નર નિવાસ સ્થાન તરફ ફાયરિંગ કરતા ફરાર થઈ ગયા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેરઠના સરધણા વિધાનસભા વિસ્તારથી ભાજપના ધારાસભ્ય સંગીત સોમનું એક ઘર મેરઠના થાણા લાલ કુર્તી વિસ્તારના કેન્ટ એરિયામાં પણ છે. સંગીત સોમ બુધવારે મોડી રાતે 12 વાગ્યાની આસપાસ પોતાના આ ઘરે પહોંચ્યા હતાં. તેમના ઘરે પહોંચ્યાના થોડા સમય બાદ જ મેઈન ગેટ પર ફાયરિંગનો અવાજ આવવા લાગ્યો. તે સમયે ગેટ પર એક સુરક્ષાકર્મી હાજર હતો. અન્ય સુરક્ષાકર્મીઓ ઘરની અંદર હતાં. 



પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ સ્વિફ્ટ કારમાં સવાર એક અજાણ્યા વ્યક્તિએ ગેટ પર ફાયરિંગ કર્યું અને હેન્ડ ગ્રેનેડ ફેંક્યો જે ધારાસભ્યની એસ્કોર્ટ ગાડીની નીચે જઈને પડ્યો. ત્યારબાદ પોલીસે હેન્ડ ગ્રેનેડને નિષ્ક્રિય બનાવ્યો. ફોરેન્સિક તપાસની ટુકડી પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસમાં લાગી ગઈ. 


ધારાસભ્યનું કહેવું છે કે બે વર્ષ પહેલા પણ તેમને વિદેશી મોબાઈલ નંબરથી મારી નાખવાની ધમકી મળી હતી. પોલીસનું કહેવું છે કે ગાડીમાં એક વ્યક્તિ હતો, જેણે ગેટ પર ફાયરિંગ કર્યું. પોલીસને ઘટનાસ્થળેથી 4 ખાલી ખોખા મળ્યા છે. ખાસ વાત એ પણ છે કે જે જગ્યાએ ધારાસભ્યનું ઘર છે તે આર્મીનો વિસ્તાર છે અને ધારાસભ્યને પોતે ઝેડ કેટેગરીની સુરક્ષા મળેલી છે.