પરિણામ પહેલાં મરણતોલ ફટકો, SCએ ફગાવી દીધી કોંગ્રેસની અરજી
કોર્ટે કહ્યું છે કે જો કોંગ્રેસ ઇચ્છે તો પછી સુધારા માટે અલગથી અરજી કરી શકે છે
નવી દિલ્હી : ગુજરાતમાં મતગણતરી દરમિયાન ઓછામાં ઓછા 25% VVPAT મતોનું EVMમાં પડેલા મતો સાથે ક્રોસ વોટિંગ કરવાની કોંગ્રેસની અરજી મામલે સુનાવણી કરતી વખતે મતગણતરીમાં હસ્તાક્ષેપ કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું છે કે જો કોંગ્રેસ ઇચ્છે તો પછી સુધારા માટે અલગથી અરજી કરી શકે છે. ગુજરાત કોંગ્રેસ સચિવ મોહમ્મદ આરિફ રાજપૂતે આ અરજી દાખલ કરી હતી. આ પહેલાં ગુજરાત હાઇકોર્ટે પણ તેમની ડિમાન્ડને ફગાવી દીધી હતી.
ઘટનાની વિગતો જોઈએ તો ગુજરાત વિધાનસભા ઈલેક્શનમાં મત ગણતરી પહેલા કોંગ્રેસે મોટું પગલું ભર્યું હતું. ગુજરાત કોંગ્રેસ સચિવે સુપ્રીમ કોર્ટમાં વીવીપેટની રસીદ મેચ કરવા માટે માંગણી કરી હતી. કોંગ્રેસ તરફથી કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંધવીએ કોર્ટમાં પોતાનો પક્ષ રાખ્યો હતો.
ગુજરાતમાં પહેલા ચરણના વોટિંગ દરમિયાન પણ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ દાવો કર્યો હતો કે, પોરબંદરના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તાર મેમનવાડાના ત્રણ મતદાન કેન્દ્રોમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન બ્લૂટૂથ દ્વારા બહારના મશીનો સાથે જોડવામાં આવ્યા છે. જોકે, ચૂંટણી કમિશનર બી.બી. સ્વૈને કોંગ્રેસની આ ફરિયાદને નકારી કાઢી હતી.