નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ થઈ છે. જેના પર આજે સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે નેશનલ કોન્ફરન્સના નેતા અને સાંસદ ફારુક અબ્દુલ્લાની નજરકેદ વિરુદ્ધ સુપ્રીમમાં દાખલ અરજી પર સુનાવણી કરતા કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. કાશ્મીરના હાલાત પર કેન્દ્રને 2 સપ્તાહની અંદર ડિટેલ રિપોર્ટ આપવાનો પણ સુપ્રીમે નિર્દેશ કર્યો છે. તામિલનાડુના નેતા અને એમડીએમકેના સંસ્થાપક વાઈકોની અરજી પર સુપ્રીમે 30 સપ્ટેમ્બર સુધીમાં કેન્દ્રને જવાબ આપવા જણાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાઈકોના વકીલે કોર્ટમાં કહ્યું કે ફારુક અબ્દુલ્લાની નજરકેદ પર કેન્દ્ર સરકાર અલગ અલગ તર્ક આપી રહી છે. કેન્દ્ર સરકાર તરફથી કહેવાયું કે પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ નેશનલ કોન્ફરન્સના નેતાને નજરકેદ કરાયા છે. જે મુજબ 2 વર્ષ સુધી કોઈ પણ વ્યક્તિને સુનાવણી વગર અટકાયતમાં રાખી શકાય છે. કોર્ટે 2 સપ્તાહમાં કાશ્મીરના હાલાત પર વિસ્તૃત રિપોર્ટ આપવાના નિર્દેશ કેન્દ્ર સરકારને આપ્યા છે. 


વાઈકોએ અરજીમાં શું કહ્યું?
વાઈકોએ જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા માટે અરજી (હેબિયસ કાર્પસ) દાખલ કરી છે. જેમાં કહેવાયું છે કે ફારુક અબ્દુલ્લા તેમના નિમંત્રણ પર 15 સપ્ટેમ્બરના રોજ ચેન્નાઈમાં થનારા પૂર્વ સીએમ અન્નાદુરાઈના 111મી જન્મજયંતી સમારોહમાં સામેલ થવા આવવાના હતાં પરંતુ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370ને હટાવવાના નિર્ણય બાદથી તેમનો સંપર્ક થતો નથી. અરજીમાં કહેવાયું છે કે તેમને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રખાયા છે. તેમણે ફારુક અબ્દુલ્લાને મળવાની મંજૂરી પણ પ્રશાસન પાસે માંગી પરંતુ કોઈ જવાબ આવ્યો નહીં. આવામાં કોર્ટ કેન્દ્ર સરકારને આદેશ આપે કે તેઓ ફારુક અબ્દુલ્લાને રજુ કરે જેથી કરીને તેઓ આ સમારોહમાં સામેલ થઈ શકે. 


જમ્મુ કાશ્મીર હાઈકોર્ટમાં પણ લોકોની અરજી દાખલ ન થવા પર સુપ્રીમે કરી ટિપ્પણી
જમ્મુ અનેક કાશ્મીર હાઈકોર્ટમાં લોકોની અરજી દાખલ ન થવા બદલ સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણ કરી છે. કોર્ટે કહ્યું કે આ મામલો ગંભીર છે. સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યું કે હું વ્યક્તિગત રીતે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાથે વાત કરીશ. સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના ચીફ જસ્ટિસને નિર્દેશ આપ્યા છે કે તેઓ આ અંગે એક વિસ્તૃત રિપોર્ટ રજુ કરે કે હાઈકોર્ટ કેસો માટે સુલભ છે કે નહીં. 


કાશ્મીરમાં ઈન્ટરનેટ, ફોન કનેક્શન પર કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
અટોર્ની જનરલને સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે કયા કારણસર તમે કહી રહ્યાં છો કે કાશ્મીરમાં સમાચારપત્ર પ્રકાશિત થઈ રહ્યાં છે? કોર્ટે એજીને એમ પણ પૂછ્યું કે કાશ્મીર ખીણમાં ઈન્ટરનેટ અને ફોન હજુ સુધી ચાલુ કેમ નથી? ખીણમાં કોમ્યુનિકેશન કેમ બંધ છે? ત્યારબાદ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ એ બોબડે, અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીરે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યાં કે તેઓ 2 સપ્તાહની અંદર કાશ્મીરના હાલાત પર વિસ્તૃત રિપોર્ટ આપે. 


બુરહાન વાણી કેસનું ઉદાહરણ આપીને એજીએ કહ્યું-પહેલા પણ લાગ્યા હતાં પ્રતિબંધ
અટોર્ની જનરલે કહ્યું કે કાશ્મીરમાં આતંકીઓ માટે મોટા પાયે પાકિસ્તાનના હાઈ કમિશન તરફથી ફંડિંગ થતું રહ્યું છે. કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાના અને પથ્થરબાજોને સમર્થન આપવાનું કામ થતું રહ્યું છે. એટોર્ની જનરલે કહ્યું કે 2016માં બુરહાન વાણીના મોત બાદ રાજ્ય સરકારે 3 મહિના માટે ઈન્ટરનેટ અને ફોન સુવિધાઓ બંધ કરી હતી. એજીએ એમ પણ કહ્યું કે હાલની સ્થિતિમાં ઈન્ટરનેટ અને ફોન બંધ કરવાનો નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયો છે. 


ગુલામ નબી આઝાદને કાશ્મીર જવાની મંજૂરી મળી
સુપ્રીમ કોર્ટે ગુલામનબી આઝાદને શ્રીનગર, જમ્મુ, અનંતનાગ, અને બારામુલ્લા જવાની મંજૂરી આપી. જેથી કરીને તેઓ પોતાના વિસ્તારના લોકોના હાલચાલ જાણી શકે. આ અગાઉ કોર્ટમાં કોંગ્રેસ નેતાના વકીલે કહ્યું કે અમને અમારા લોકોને મળવા માટે શ્રીનગર, અનંતનાગ, અને બારામુલ્લા જવું છે. આઝાદે કહ્યું કે અમે ત્યાં રાજકીય રેલી કરવા માટે નથી જતા. અમને ત્રણવાર એરપોર્ટથી પાછા મોકલી દેવાયા. અમને અમારા ગૃહ જિલ્લામાં જવા દેતા નથી. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...