બિહાર શેલ્ટર હોમકાંડના તપાસ અધિકારીની બદલી: સુપ્રીમે CBIની ઝાટકણી કાઢી
બિહારના મુજફ્ફરપુર શેલ્ટર હોમ મુદ્દે તપાસ કરી રહેલા અધિકારીની બદલી સીબીઆઇની બહાર કરવા અંગે સુપ્રીમ કોર્ટે ઉંડી ચિંતા વ્યક્ત કરવાની સાથે આ નિર્ણય લેનારા અધિકારીઓનાં નામ પણ માંગ્યા
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે મુજફ્ફરનગર શેલ્ટર કાંડની તપાસ કરનારા અધિકારીની બદલી સુપ્રીમ કોર્ટની પરવાનગી વગર જ કરી દેવાતા સુપ્રીમ કોર્ટે સીબીઆઇની ઝાટકણી કાઢી હતી. સુપરીમ કોર્ટે સીબીઆઇનાં તત્કાલીન એમ.નાગેશ્વર રાવને અવમાનનાની નોટિસ ફટકારી અને તેમને 12 ફેબ્રુઆરી સુધીમાં રજુ થવા માટેનો આદેશ આપ્યો હતો. તત્કાલીન સીબીઆઇ ચીફે એજન્સીનાં પુર્વ સંયુક્ત નિર્દેશક એ.કે શર્માનું ટ્રાન્સફર કરી દીધું હતું, જે બિહાર શેલ્ટર હોમ કાંડની તપાસ કરી રહ્યા હતા. સુપ્રીમે કહ્યું કે, સીબીઆઇની બહાર અધિકારીની બદલી કરવી કોર્ટનાં આદેશનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી બેંચે સુપ્રીમ કોર્ટને પહેલા આપેલા બે આદેશનું ઉલ્લંઘન કરવાની વાતને ગંભીરતાથી લીધી હતી. સુપ્રીમ કોર્ટની મંજુરી વગર જ 17 જાન્યુઆરીએ શર્માની બદલી CRPFમાં કરવામાં આવતા રાવની વિરુદ્ધ અવગણના નોટિસ ઇશ્યું કરી. અત્રે ઉલ્લેખનીય છે કે, બેંચમાં જસ્ટિસ દીપક મિશ્રા અને સંજીવ ખન્નાનો પણ સમાવેશ થાય છે.
પ્રક્રિયામાં રહેલા અધિકારીઓનાં નામ જણાવવા આદેશ
બેંચે સીબીઆઇ નિર્દેશકને એ.કે શર્માની બદલીના નિર્ણય સાથે સંકળાયેલા અધિકારીઓનાં નામ જણાવવા આદેશ આપ્યો છે. આ દરમિયાન સુપ્રીમે પોતાનાં જુના ચુકાદાનો સંદર્ભ ટાંક્યો જેમાં તેમણે બિહાર શેલ્ટર હોમ મુદ્દે તપાસ કરી રહેલા ટીમને એકે શર્માને નહી હટાવવા માટે આદેશ આપ્યો હતો. તેમ છતા બદલી થવાની ઘટનાને સુપ્રીમ કોર્ટે ગંભીર રીતે લીધી છે. રાવ ઉપરાંત બેંચે સીબીઆઇનાં બીજા અધિકારીઓને પણ 12 ફેબ્રુઆરીના રોજ રજુ થવા માટે જણાવ્યું, જે ટ્રાન્સફરની પ્રક્રિયા સાથે સંકળાયેલા હતા.