વક્ફ બિલ પર JPC ની બેઠકમાં ભારે હંગામો, શાબ્દિક ટપાટપી બાદ TMC સાંસદે કાચની બોટલ ફોડી, કમિટીમાંથી થયા સસ્પેન્ડ
. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ ટીએમસી સાંસદ કલ્યાણ બેનરજી અને ભાજપના સાંસદ અભિજીત ગંગોપાધ્યાય વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ. આ દરમિયાન કલ્યાણ બેનરજીએ ત્યાં મૂકેલી કાંચની પાણીની બોટલ ટેબલ પર મારી જેના કારણે તેઓ ઈજાગ્રસ્ત થયા.
સંસદની વક્ફ બિલ પર મંગળવારે થયેલી JPC ની બેઠકમાં ગરમાગરમી થઈ ગઈ. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ ટીએમસી સાંસદ કલ્યાણ બેનરજી અને ભાજપના સાંસદ અભિજીત ગંગોપાધ્યાય વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ. આ દરમિયાન કલ્યાણ બેનરજીએ ત્યાં મૂકેલી કાંચની પાણીની બોટલ ટેબલ પર મારી જેના કારણે તેઓ ઈજાગ્રસ્ત થયા. કલ્યાણ બેનરજીને ત્યારબાદ સારવાર માટે લઈ જવાયા. તેમને અંગૂઠા અને એક આંગળી પર ઈજા થઈ છે. તેમને ચાર ટાંકા આવ્યા છે. આ ધમાચકડીના કારણે બેઠક થોડીવાર રોકવામાં આવી. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે કલ્યાણ બેનરજીએ અચાનક બોટલ ઉઠાવી અને મેજ પર ફોડી. જેના કારણે તેઓ પોતે જ ઈજાગ્રસ્ત થઈ ગયા. આ બેઠક સંસદ પરિસરમાં યોજાઈ હતી.
સૂત્રોના જણાવ્યાં મુજબ આ બેઠકમાં અનેક રિટાયર્ડ જજ, વરિષ્ઠ વકીલો, અને બુદ્ધિજીવીઓ હાજર હતા. આ બધા વચ્ચે અચાનક કલ્યાણ બેનરજી ઊભા થઈને બોલવા લાગ્યા. તેઓ આ પહેલા પણ બેઠકમાં અનેકવાર બોલી ચૂક્યા હતા. પરંતુ આ વખતે જ્યારે તેઓ વચ્ચે બોલ્યા તો અભિજીત ગંગોપાધ્યાયે આપત્તિ જતાવી. તેમની આપત્તિ બાદ કલ્યાણ બેનરજીએ તેમના વિરુદ્ધ આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો. આ બધા વચ્ચે બંનેએ એકબીજા વિરુદ્ધ અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો અને ગુસ્સામાં કલ્યાણ બેનરજીએ કાંચની બોટલ ઉઠાવીને મેજ પર પટકી. જેના કારણે તેઓ ઈજાગ્રસ્ત થયા.
સસ્પેન્ડ થયા
આ ઘટના બાદ જેપીસીમાં સામેલ સત્તાધારી પક્ષના સભ્યો વિફર્યા અને તેમણે કલ્યાણ બેનરજીને કમિટીમાંથી સસ્પેન્ડ કરવાની માંગણી કરી. બાકી વિપક્ષી સભ્યોએ કહ્યું કે જેપીસી પાસે સસ્પેન્ડ કરવાનો હક નથી. વિપક્ષી સભ્યોએ જેપીસીમાં કહ્યું કે અભિજીત બેનરજી અને કલ્યાણ બેનરજી બંનેએ બંગાળી ભાષામાં એકબીજા પર આરોપ અને અન્ય વાતો કરી આથી પહેલા તેને રેકોર્ડમાં લાવીને બધા સભ્યોને ઈંગ્લિશ કે હિન્દીમાં જણાવવામાં આવે, ત્યારબાદ કોઈ કાર્યવાહી થાય. પરંતુ સત્તા પક્ષના સભ્યોએ કહ્યું કે એ બધી પછીની વાત છે પહેલા કલ્યાણ બેનરજીને સસ્પેન્ડ કરવામાં આવે. ત્યારબાદ જેપીસી અધ્યક્ષ જગદંબિકા પાલે કલ્યાણ બેનરજીને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી.
પહેલા પણ થયો હતો હંગામો
વક્ફ બિલ પર જેપીસીની બેઠકમાં હંગામો થતો રહે છે. ગત અઠવાડિયે પણ ભારે હંગામો થયો હતો. ત્યારબાદ વિપક્ષી સાંસદોએ વોકઆઉટ કર્યું હતું. મળતી માહિતી મુજબ વિપક્ષી સાંસદોએ ભાજપના સાંસદો પર તેમના વિરુદ્ધ આપત્તિજનક ભાષાના ઉપયોગનો આરોપ લગાવ્યો હતો. તેમનો આરોપ છે કે આ દરમિયાન સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલે પણ ભાજપના સાંસદો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નહીં. જ્યારે ભાજપના સાંસદોએ આરોપ લગાવ્યો કે અભદ્ર ભાષાનો ઉપયોગ વિપક્ષી સાંસદો તરફથી કરાયો હતો.