કર્ણાટક ચૂંટણી : કઈ સીટનો વિજેતા બનશે CM? રસપ્રદ વિગતો
કર્ણાટક કોંગ્રેસ પક્ષનો અંતિમ ગઢ છે કારણ કે જો ભાજપ અહીં ચૂંટણી જીતીને સરકાર બનાવવામાં સફળ સાબિત થશે તો દેશની મોટાભાગના રાજ્યોમાં ભાજપની સરકાર હશે
નવી દિલ્હી : કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે વોટિંગ શરૂ થઈ ગયું છે. આ વખતે 222 સીટ પર 2700થી વધારે ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય થશે. કર્ણાટક કોંગ્રેસ પક્ષનો અંતિમ ગઢ છે કારણ કે જો ભાજપ અહીં ચૂંટણી જીતીને સરકાર બનાવવામાં સફળ સાબિત થશે તો દેશની મોટાભાગના રાજ્યોમાં ભાજપની સરકાર હશે. આ ચૂંટણીના પરિણામો 2019ની ચૂંટણીમાં ભાજપ માટે મદદગાર થશે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સામસામે આરોપ અને પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. કર્ણાટકની કેટલીક સીટ ખાસ મહત્વની છે જ્યાંથી રાજ્યને નવો મુખ્યમંત્રી મળશે.
કર્ણાટક ચૂંટણી : PM મોદીએ મતદાતાઓને કરી ખાસ અપીલ
બાદામી : આ સીટ પરથી કોંગ્રેસના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય તેઓ ચામુંડેશ્વરીથી પણ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. અહીંથી બીજેપીએ શ્રીરામુલુને ઉમેદવાર જાહેર કર્યા છે. સિદ્ધારમૈયાને આ સીટથી કુર્બા સમુદાયનું જબરદસ્ત સમર્થન મળેલું છે. અહીં લગભગ અઢી લાખ જેટલા મતદાતાઓ છે જેમાં કુર્બા સમુદાયના 55 હજારથી વધારે લોકો છે. કોંગ્રેસે મુસ્લિમ વોટ્ પર પણ દાવ લગાવ્યો છે. સિદ્ધારમૈયા આ પહેલાં વરૂણા સીટથી ચૂંટણી જીત્યા હતા પણ તેમણે દીકરા યતીન્દ્ર માટે આ સીટ છોડી દીધી છે. તેમનો દીકરો પહેલીવાર વરૂણાથી લડી રહ્યો છે.
શિકારીપુરા : બીજેપીના સીએમ પદના ઉમેદવાર બી.એસ. યેદિયુરપ્પા અહીંથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. આ સીટને તેમના માટે સુરક્ષિત માનવામાં આવે છે. તેઓ 1983થી અહીંથી સતત સાત વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. તેઓ માત્ર 1999માં ચૂંટણી હાર્યા હતા. આ સીટ પર પર 14 વખત વિધાનસભા ચૂંટણી થઈ હતી જેમાં 8 વખત બીજેપી જીતી છે.
ચન્નાપટના : ચન્નાપટનામાં રમકડાંનો મોટો બિઝેસ છે. જેડીએસ નેતા એચ.ડી. દૈવગૌડાના પુત્ર તેમજ પૂર્વ સીએમ કુમારસ્વામી અહીંથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. કુમારસ્વામી રામનગરાથી પણ ચૂંટણી લડી રહ્યા છે. તેઓ 2004થી આ સીટથી જીતતા આવ્યા છે.