જ્યાં કોંગ્રેસના ધારાસભ્યોને રખાયા છે તે ઈગલટોન રિસોર્ટ બહારથી સુરક્ષા હટાવાઈ
કર્ણાટકમાં થઈ રહેલા રાજકીય ડ્રામા વચ્ચે ઈગલટોન રિસોર્ટ બહારથી સુરક્ષા વ્યવસ્થા હટાવી લેવામાં આવી છે.
બેંગ્લુરુ: કર્ણાટકમાં થઈ રહેલા રાજકીય ડ્રામા વચ્ચે ઈગલટોન રિસોર્ટ બહારથી સુરક્ષા વ્યવસ્થા હટાવી લેવામાં આવી છે. સુરક્ષા હટાવવામાં આવતા કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી છે. કોલારથી સાતવાર ચૂંટાઈ આવેલા સાંસદ તથા પૂર્વ મંત્રી કે એચ મુનિયપ્પાએ તેના પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે આ યોગ્ય નથી. કોંગ્રેસના ધારાસભ્યોને આ જ ઈગલટોન રિસોર્ટમાં રોકવામાં આવ્યાં છે. આ એ જ રિસોર્ટ છે જ્યાં 2017માં ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોનો રોકવામાં આવ્યાં હતાં. તે સમયે પણ એમએલએની ખરીદ વેચાણના આરોપ લાગ્યા હતાં. કોંગ્રેસના સંકટમોચક બનેલા ડી કે શિવકુમાર આ વખતે પણ ફરીથી એ જ ભૂમિકામાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કોંગ્રેસ હાઈકમાન્ડે તેમને એમએલએના હોર્સ ટ્રેડિંગને રોકવાની જવાબદારી સોંપી છે.
કે એચ મુનિયપ્પાએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ સિસ્ટમ નથી. સરકાર ભલે ગમે તેની હોય. ચૂંટાયેલા પ્રતિનિધિઓને સુરક્ષા આપવી એ તેમનું કર્તવ્ય છે. જેડીએસના નેતા એચડી કુમારસ્વામીએ પણ સુરક્ષા હટાવવાના મુદ્દા પર કહ્યું કે અમારા ધારાસભ્યોને સુરક્ષા ઉપલબ્ધ કરાવવી એ અમારી જવાબદારી છે. યેદિયુરપ્પા જે પ્રકારનો વ્યવહાર કરી રહ્યાં છે તેના ઉપર મને આશ્ચર્ય થઈ રહ્યું છે. શપથગ્રહણ બાદ તેમણે 4 આઈપીએસ અધિકારીઓની બદલી કરી નાખી છે. ભાજપની આ કોશિશ હાસ્યાસ્પદ છે. અમારા તમામ 38 ધારાસભ્યો અમારી સાથે છે.
કોંગ્રેસના નેતા ડી કે શિવકુમારનું કહેવું છે કે કર્ણાટકમાં લોકતંત્રની હત્યા કરવામાં આવી રહી છે. આવતી કાલની રાહ જુઓ, અમને લાગે છે કે ફેસલો અમારા પક્ષમાં આવશે. સમગ્ર દેશમાં પહેલેથી ઉથલપાથલ જારી છે. બિહાર, ગોવા, મણિપુર અને અન્ય રાજ્યોમાં જ્યાં મોટી પાર્ટીઓ છે ત્યાં પણ હવે આ ફોર્મ્યુલાથી સરકારની રચના માટે તૈયાર છીએ.
આ બાજુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આરોપો ઉપર ભાજપે પલટવાર કરતા કહ્યું કે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે ભાજપે જે પણ કર્યુ છે તે કાયદા મુજબ છે. કોંગ્રેસ પાસે ખોટી માહિતી છે અને જેના પરિણામ સ્વરૂપે તે હાસ્યાસ્પદ દાવા કરી રહી છે. તેને પોતાના ધારાસભ્યો પર ભરોસો નથી આથી ધારાસભ્યોને રિસોર્ટમાં બંધક બનાવીને રાખ્યા છે.