ઇંદિરા ગાંધીની આંખ અને કાન ગણાતા વરિષ્ઠ કોંગ્રેસી નેતા આરકે ધવનનું નિધન
કોંગ્રેસના વરિષ્ઠ નેતા આરકે ધવનનું સોમવારે 81 વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયું, તે ભારતના પૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીના અંગત સચિવ હતા
નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજેન્દ્ર કુમાર ધવન (આર.કે ધવન)નું સોમવારે 81 વર્ષની વયે નિધન થઇ ગયું. તેઓ ભારતના પુર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીના અંગત સચિવ હતા અને એક સમયે તેમને ભારતના સર્વાધિક શક્તિશાળી લોકો પૈકી એક માનવામાં આવતા હતા. ધવન ઇંદિરા ગાંધીની હત્યાના પ્રત્યક્ષદર્શી પણ હતા. આરકે ધવન ઇંદિરા ગાંધીના એટલા નજીક હતા કે અંતિમ સમય સુધી તેમનો પડછાયો બનીને રહ્યા હતા.
ઇમરજન્સી દરમિયાન તેઓ સત્તાના ખુબ જ મહત્વના અંગો પૈકી એક બનીને ઉભર્યા અને ઇંદિરા ગાંધી સુધી માહિતી પહોંચાડવામાં તેમની ઘણી મોટી ભુમિકા હતી. આ દરમિયાન થનારા તંત્રની નિયુક્તિઓમાં પણ તેમનો સ્પષ્ટ પ્રભાવ જોવા મળતો હતો. જો કે ઇંદિરા ગાંધીના મૃત્યુ બાદ રાજીવ ગાંધીએ ધવન પર ભરોસો નહોતો કર્યો અને તેમને તમામ મહત્વનાં પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.
ધવને હંમેશા ઇંદિરા ગાંધી અને ઇમરજન્સીનો બચાવ કર્યો. તેમણે ઇંદિરા ગાંધીનો બચાવ કરતા કહ્યું કે, ઇતિહાસ તેમની સાથે ન્યાય નથી કરી રહ્યો. જો કે તેઓ ઇમરજન્સી દરમિયાન થયેલા અન્યાય માટે સંજય ગાંધીને દોષીત ઠેરવતા હતા. ધવને 74 વર્ષની ઉંમરમાં અચલા મોહન સાથે લગ્ન કર્યા હતા.
ધવનના નિધન અંગે પુર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દુખ વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું, તે ખુબ જ બિમાર હતા, જો કે મને તે અંદાજો નહોતો કે તેઓ આટલા જલ્દી ફાની દુનિયા છોડીને જતા રહેશે. પાર્ટી અને સરકારમાં મારા નજીકના સાથી સ્વરૂપે તેઓ હંમેશા યાદ રહેશે.