નવી દિલ્હી: વરિષ્ઠ પત્રકાર કુલદીપ નાયરનું 22 ઓગસ્ટના રોજ મોડી રાતે નિધન થયું. તેઓ 95 વર્ષના હતાં. દિલ્હીની એક હોસ્પિટલમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા. બપોરે એક વાગ્યે લોધી રોડ સ્થિત સ્મશાન ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કુલદીપ નાયર અનેક દાયકાઓથી પત્રકારત્વના ક્ષેત્રમાં સક્રિય હતાં. તેમણે અનેક પુસ્તકો પણ લખ્યા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે કુલદીપ નાયરે પોતાની કેરિયરની શરૂઆતમાં ઉર્દુ પ્રેસ રિપોર્ટર તરીકે કરી હતી. તેઓ અખબાર ધ સ્ટેટ્સમેનના સંપાદક પણ રહી ચૂક્યા હતાં. પત્રકારત્વ ઉપરાંત તેઓ એક એક્ટિવિસ્ટ તરીકે પણ કાર્યરત હતાં. ઈમરજન્સી વખતે કુલદીપ નાયરની પણ ધરપકડ થઈ હતી. 



કુલદીપ નાયરનો જન્મ 14 ઓગસ્ટ 1924માં સિયાલકોટમાં થયો હતો. કુલદીપ નાયરે લોની ડિગ્રી લાહોરમાંથી લીધી હતી. તેમણે યુએસએમાંથી પત્રકારત્વની ડિગ્રી લીધી હતી અને દર્શનશાસ્ત્રમાં પીએચડી  કર્યુ હતું. તેમણે ભારત સરકારના પ્રેસ સૂચના અધિકારી તરીકે અનેક વર્ષો કામ કર્યું. ત્યારબાદ તેઓ યુએનઆઈ, પીઆઈબી, ધ સ્ટેટ્સમેન, અને ઈન્ડિયન એક્સપ્રેસ સાથે લાંબા સમય સુધી જોડાયેલા રહ્યાં હતાં. 


તેઓ 25 વર્ષ સુધી ધ ટાઈમ્સ લંડનના પત્રકાર તરીકે પણ કામ કર્યુ હતું. તેઓ શાંતિ અને માનવાધિકારોને લઈને પોતાના વલણ માટે જાણીતા હતાં. તેમની કોલમ બિટવીન ધ લાઈન્સ ખૂબ ચર્ચામાં રહી હતી. જેને 80થી વધુ અખબારોએ પ્રકાશિત કરી હતી. 


કુલદીપ નાયર 1996માં યુએન માટેના ભારતના પ્રતિનિધિ મંડળના સભ્ય હતાં. 1990માં તેમને ગ્રેટ બ્રિટનમાં રાજદૂત તરીકે પસંદ કરાયા હતાં. ઓગસ્ટ 1997માં રાજ્યસભામાં નામાંકિત કરાયા હતાં. એટલું જ નહીં પરંતુ ડેક્કન હેરાલ્ડ (બેંગ્લુરુ), ધ ડેઈલી સ્ટાર, ધ સન્ડે ગાર્જિયન, ધ ન્યૂઝ, ધ સ્ટેટ્સમેન, ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન પાકિસ્તાન, ડોન પાકિસ્તાન, પ્રભાસાક્ષી સહિત 80થી વધુ અખબારો માટે 14 ભાષામાં કોલમ અને ઓપ એડ લખતા હતાં.