સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO આદર પૂનાવાલાનો સવાલ- ભારતમાં કોરોના વેક્સિન પર 80 હજાર કરોડનો ખર્ચ, શું સરકાર પાસે છે આ રકમ
Covid-19 Vaccine Update: સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ આદર પૂનાવાલાએ સરકારને પૂછ્યુ કે શું તેમની પાસે કોરોના વેક્સિન માટે આગામી એક વર્ષમાં 80 હજાર કરોડ રૂપિયા ઉપલબ્ધ હશે. તેમણે પીએમઓને ટેગ કરતા ટ્વીટ કર્યું કે, આપણી સામે હવે આ આગામી પડકાર છે.
નવી દિલ્હીઃ પુણે સ્થિત વેક્સિન બનાવનારી દુનિયાની સૌથી મોટી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ આદર પૂનાવાલાએ કહ્યુ કે, બધા ભારતીયોને કોરોનાની રસી લગાવવા માટે 80 હજાર કરોડ રૂપિયાની જરૂર પડશે. તેમણે શનિવારે ટ્વીટ કર્યું કે કોરોના વેક્સિનની ખરીદ અને તેને ભારતીયોને લગાવવામાં આગામી એક વર્ષમાં 80 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે. તેમણે ભારત સરકારને પૂછ્યુ કે શું આગામી એક વર્ષમાં તેમની પાસે વેક્સિન માટે આટલી રકમ છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટે કોવિડ-19ની વેક્સિન બનાવવા માટે ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા સાથે ભાગીદારી કરી છે.
આદર પૂનાવાલાએ પીએમઓ ઈન્ડિયાને ટેગ કરતા ટ્વીટ કર્યુ, 'ક્વિક ક્વેશ્ચન શું ભારત સરકારની પાસે આગામી એક વર્ષમાં 80 હજાર કરોડ રૂપિયા ઉપલબ્ધ હશે? કારણ કે વેક્સિન ખરીદવા અને દરેક ભારતીયો સુધી પહોંચાડવા માટે સ્વાસ્થ્ય મંત્રાલયને આટલી રકમની જરૂર પડશે. આપણી સામે હવે આ આગામી પડકાર છે જેનો આપણે સામનો કરવાનો છે.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube