વાજપેયીજીનાં જવાથી એવું લાગી રહ્યું છે હું અનાથ થઇ ગયો : શત્રુઘ્ન સિન્હા
સિન્હાએ ટ્વીટ કરીને વાજપેયીજીનાં મૃત્યુ અંગે શોક વ્યક્ત કરતા પોતાનાં પથપ્રદર્શક ગયા હોવાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું
પટના : ભાજપ સાંસદ શત્રુઘ્ન સિન્હાએ શુક્રવારે કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધનના સમાચાર સાંભળીને તેમને લાગી રહ્યું છે કે, તેઓ અનાથ થઇ ગયા છે. કારણ કે તેમના સંરક્ષણમાં જ સારી રાજનીતિની કળા સીખી હતી. પટના સાહિબના સાંસદે વાજપેયીને પોતાનાં પિતા સમાન ગણાવ્યા હતા. વાજપેયી લાંબા સમયથી બિમાર હતા. ગુરૂવારે સાંજે દિલ્હી એઇમ્સ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, 1999થી 2004 વચ્ચે વાજપેયીની આગેવાનીમાં રહેલી રાજગ સરકાર દરમિયાન શત્રુઘ્ન સિન્હા મંત્રી રહી ચુક્યા છે. સિન્હાએ ટ્વીટ કરીને જણાવ્યું કે, અતિ શ્રદ્ધેય અને સન્માનિત સંસ્થાન આપણને છોડીને જતા રહ્યા. પિતા સમાન વ્યક્તિ મને છોડીને જતા રહ્યા. મને લાગે છે કે હું હવે અનાથ થઇ ગયો છું. આપણા તમામનાં હૃદયમાં તેઓ હંમેશા અમર રહેશે. જીવનનાં યોગ્ય માર્ગ સંદર્ભે તેઓ હંમેશા તેમના માર્ગદર્શનની ઉણપ વર્તાશે. હું તેમનાં પરિવાર અને પ્રિયજનો પ્રત્યે હાર્દિક સંવેદના વ્યક્ત કરું છું.
સિન્હાએ મુંબઇથી ફોન કરીને કહ્યું કે, નાનાજી દેશમુખે મને રાજનીતિમાં શિક્ષણ માટે વાજપેયી અને અડવાણીજીની પાસે મોકલ્યા હતા. બંન્નેએ મને પ્રેમ આપ્યો અને મને સંપુર્ણ જીવનનો આશિર્વાદ આપ્યો. ઉલ્લેખનીય છે કે, પુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી શુક્રવારે પંચ તત્વમાં લીન થઇ ગયા હતા. વાજપેયીના અંતિમ સંસ્કાર દિલ્હી ખાતેનાં રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર કરવામાં આવ્યા હતા.