શિવસેનાએ સમાધાન માટે ભાજપ પાસે કરી `મસમોટી માગણીઓ`, ક્યાંથી બધુ ઠેકાણે પડશે
એક સમયે ભાજપના સૌથી કટ્ટર સહયોગી ગણાતી શિવસેના અને ભાજપના સંબંધોમાં કોઈ પણ વિપક્ષી પાર્ટી કરતા વધુ કડવાહટ જોવા મળી રહી છે.
નવી દિલ્હી: એક સમયે ભાજપના સૌથી કટ્ટર સહયોગી ગણાતી શિવસેના અને ભાજપના સંબંધોમાં કોઈ પણ વિપક્ષી પાર્ટી કરતા વધુ કડવાહટ જોવા મળી રહી છે. સરકારમાં સહયોગી હોવા છતાં શિવસેના ભાજપ પર આકરા હુમલા કરવાની એક પણ તક જવા દેતી નથી. મહારાષ્ટ્રમાં ગત વિધાનસભા ચૂંટણી બાદ બંને પાર્ટીઓના સંબંધો બગડતા જ ગયાં. નોટબંધી હોય કે પછી જીએસટી કે પછી પેટાચૂંટણીઓમાં મળેલી હાર...શિવસેના અને તેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર આક્રમક પ્રહારો કર્યાં. એટલે સુધી કે શિવસેનાએ તો એમ પણ કહી દીધુ કે તે આગામી ચૂંટણી એકલા હાથે લડશે.
બંને પાર્ટીઓ વચ્ચે પડેલી તિરાડ વચ્ચે હાલમાં જ ભાજપના અધ્યક્ષ અમિત શાહે ઉદ્ધવ ઠાકરેની મુલાકાત કરી. જો કે ત્યારબાદ પણ શિવસેના તરફથી કહેવામાં આવ્યું કે તે એકલા હાથે જ ચૂંટણી લડશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યાં મુજબ હવે સૂત્રોના હવાલે એવી માહિતી મળી રહી છે કે માતોશ્રીમાં જ્યારે અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરેની મુલાકાત થઈ ત્યારે ભાજપ અધ્યક્ષ તરફથી શિવસેના પ્રમુખને કહેવામાં આવ્યું હતું કે તે જલદી ગઠબંધન ઉપર ફરીથી વાતચીત કરવા માટે મળશે. તે સમયે શિવસેના તરફથી સમાધાન માટે એક ફોર્મ્યુલા આપવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રમાં પોતાનો મુખ્યમંત્રી ઈચ્છે છે શિવસેના
કહેવાય છે કે જ્યારે બે નેતાઓ મળ્યા હતાં ત્યારે શિવસેના અધ્યક્ષે અમિત શાહ સામે આગામી વિધાનસભા ચૂંટણી માટે 152 બેઠકોની માગણી કરી નાખી. આ સાથે જ પોતાના માટે સીએમ પદનું વચન પણ માંગ્યુ છે. 288 બેઠકો વાળી મહારાષ્ટ્ર વિધાનસભા માટે શિવસેના હવે 152 બેઠકો ઈચ્છે છે જેથી કરીને મુખ્યમંત્રી પદ પર તેની કોઈ વ્યક્તિ બેસી શકે. તેનો અર્થ એ થયો કે ભાજપ અને અન્ય સહયોગીઓ માટે ફક્ત 136 બેઠકો જ રહેશે.
જો કે હજુ સુધી એ નક્કી નથી કે શિવસેના અને ભાજપ એક સાથે મળીને લોકસભા ચૂંટણી લડે અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીમાં એક સાથે જાય. જો કે શિવસેના તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તેણે આમ કર્યું તો મોટી ભૂલ હશે. જો ભાજપ લોકસભા ચૂંટણી બાદ સત્તામાં પાછો આવશે તો તે મહારાષ્ટ્રમાં એકલા હાથે ચૂંટણી લડીને સત્તા મેળવી લેશે.
આ બાજુ ભાજપની વાત કરીએ તો પાર્ટી સૂત્રોના જણાવ્યાં મુજબ તે વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાને 130 બેઠકોથી વધુ ન આપી શકે. શિવસેના સાથે વાતચીત નિષ્ફળ રહેતા પાર્ટી અધ્યક્ષ પોતાના ધારાસભ્યો અને સાંસદોને એકલા ચૂંટણી લડવાનું કહી શકે છે.
પોતાની તાકાત વધારવા માંગે છે શિવસેના
શિવસેનાના અંદરના સૂત્રોના જણાવ્યાં મુજબ પાર્ટી નેતાનું કહેવું છે કે વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી પોતાની તાકાત પાછી મેળવવા માંગે છે. પાર્ટી નેતાનું કહેવું છે કે ઉદ્ધવજીએ અમિત શાહને સ્પષ્ટપણે કહી દીધુ છે કે ભાજપ જો 152 બેઠકો આપવા માટે રાજી થશે તો જ શિવસેના ગઠબંધન કરશે.
વિધાનસભા ચૂંટણીમાં વાત બગડી
2014માં મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકો પર ભાજપ અને શિવસેના ગઠબંધન એક સાથે ચૂંટણી લડ્યું હતું. જેમાંથી 26 બેઠકો પર ભાજપ અને 22 બેઠકો પર શિવસેના લડી હતી. ત્યારબાદ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં સીટોની વહેંચણીને લઈને બંને પાર્ટીઓ આમને સામને આવી ગઈ હતી અને અલગ અલગ ચૂંટણી લડી હતી. જો કે ત્યારબાદ શિવસેના ભાજપ સરકારમાં સામેલ થઈ ગઈ હતી. ભાજપે 260 બેઠકો પર ચૂંટણી લડી હતી. જેમાંથી તેને 122 બેઠકો મળી હતી. જ્યારે શિવસેના 282 બેઠકો પર લડી હતી પરંતુ તેના ફાળે 62 બેઠકો જ આવી હતી.
1995નો ફોર્મ્યુલા ઈચ્છે છે શિવસેના
શિવસેના જૂના ફોર્મ્યુલા પર પાછી ફરવા માંગે છે. 1995માં શિવસેનાની લોકપ્રિયતા ચરમ પર હતી. ત્યારે 288 બેઠકોમાંથી 171 પર તે લડતી હતી અને ભાજપ 117 બેઠકો પર ચૂંટણી લડતો હતો.