MP: શિવ`રાજ`ને `શિવભક્ત` રાહુલ ગાંધી પડકારશે, ભોપાલમાં લાગ્યા પોસ્ટર
પોતાને શિવભક્ત કહેતા રાહુલ ગાંધીએ હાલમાં જ કૈલાસ માનસરોવરની યાત્રા કરી છે. હવે મધ્ય પ્રદેશમાં આગામી 3 મહિનાની અંદર થનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 17 સપ્ટેમ્બરના રોજ ભોપાલમાં કોંગ્રેસ કાર્યકર્તાઓને સંમેલનને સંબોધવા માટે જઈ રહ્યાં છે.
ભોપાલ: પોતાને શિવભક્ત કહેતા રાહુલ ગાંધીએ હાલમાં જ કૈલાસ માનસરોવરની યાત્રા કરી છે. હવે મધ્ય પ્રદેશમાં આગામી 3 મહિનાની અંદર થનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 17 સપ્ટેમ્બરના રોજ ભોપાલમાં કોંગ્રેસ કાર્યકર્તાઓને સંમેલનને સંબોધવા માટે જઈ રહ્યાં છે. જેને ધ્યાનમાં રાખીને ભોપાલમાં રાહુલ ગાંધીના સ્વાગતમાં જે પોસ્ટરો લાગ્યા છે તેમાં રાહુલ ગાંધીને 'શિવભક્ત' ગણાવવામાં આવ્યાં છે.
તેના પર કટાક્ષ કરતા ભાજપે કહ્યું છે કે સમય સમય પર રાહુલ ગાંધી અલગ અલગ સ્વરૂપ ધારણ કરી લે છે. તેઓ ક્યારેક ક્યારેક ટોપી પહેરે છે, તો ક્યારેક જનોઈધારી બને છે, ક્યારેક શિવભક્ત બની જાય છે. આ જ મામલે ભાજપે આકરા પ્રહારો કરતા કહ્યું કે "રાહુલજી બટાકાથી સોનું નથી બનતું, BHELમાં મોબાઈલ નથી બનતો."
રાહુલ ગાંધી 17 સપ્ટેમ્બરના રોજ ભોપાલથી કરશે રોડ શો
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વર્ષના અંતમાં મધ્ય પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 17 સપ્ટેમ્બરના રોજ ભોપાલમાં રોડશો કરવાના છે. લગભગ 12 કિમી રોડશો કર્યા બાદ તેઓ પાર્ટીના 15000 કાર્યકર્તાઓને પણ સંબોધન કરશે. આ મામલે મધ્ય પ્રદેશ કોંગ્રેસ મીડિયા વિભાગના અધ્યક્ષ શોભા ઓઝાએ પત્રકારોને જણાવ્યું કે રાહુલ ગાંધી 17 સપ્ટેમ્બરના રોજ ભોપાલ આવશે. તેઓ બપોરે 12.45 વાગે ભોપાલ સ્થિત રાજા ભોજ એરપોર્ટ પર પહોંચશે. ત્યાંથી બપોરે એક વાગે કારથી રવાના થશે અને શહેરના લાલઘાટી સર્કલ પહોંચશે.
તેમણે કહ્યું કે ત્યારબાદ તેઓ 1.10 વાગે લાલઘાટી સર્કલથી બસ દ્વારા રોડશો કરશે જે કલેક્ટર રોડ, રોયલ માર્કેટ બ્રિજ, પીર ગેટ, વીઆઈપી રોડ સર્કલ, પોલિટેક્નિક ચાર રસ્તા, રોશનપુરા સર્કલ, અપેક્સ બેંક સર્કલ, બોર્ડ ઓફિસ સર્કલ અને કસ્તૂરબાનગર સર્કલના રસ્તે ભેલ દશેરા મેદાન થઈને પસાર થશે. આ દરમિયાન સાત જગ્યાઓ પર સ્વાગત કેન્દ્ર બનેલા હશે, જ્યાં કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરશે.
ભેલ દશેરા મેદાન પહોંચીને તેઓ ત્યાં પાર્ટીના કાર્યકર્તાઓ સાથે દોઢ કલાક સુધી સંવાદ કરશે. આ સંવાદમાં કોંગ્રેસના લગભગ 15000 કાર્યકર્તાઓ ભાગ લેશે. જેમાં બ્લોક, જિલ્લા અને પ્રદેશ સ્તરના કાર્યકર્તાઓ, કોર્પોરેટરો તથા પાર્ટીના મોટા નેતાઓ હાજર રહેશે. કોંગ્રેસ રાહુલ ગાંધીના આ રોડ શોને ઐતિહાસિક બનાવવામાં લાગી છે. રોડ શો દ્વારા કોંગ્રેસ પોતાની શક્તિનું પ્રદર્શન કરવા ઉપરાંત પ્રદેશની જનતા વચ્ચે પાર્ટીના પક્ષમાં ચૂંટણીનો માહોલ બનાવવા માંગે છે. જેથી કરીને સત્તારૂઢ ભાજપને સતત ચોથીવાર મધ્ય પ્રદેશમાં સરકાર બનાવતા રોકી શકાય. ત્યારબાદ સાંજે સાડા છ વાગ્યે રાજાભોજ એરપોર્ટથી તેઓ દિલ્હી જવા રવાના થઈ જશે.