નવી દિલ્હી: સર્જિકલ સ્ટ્રાઈકના 2 વર્ષ પૂરા થયાના અવસરે ભાજપ જોધપુરમાં જોરશોરથી પરાક્રમ પર્વની ઉજવણી કરી રહ્યો છે. પીએમ મોદી પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જોધપુરમાં હાજર છે. આ દરમિયાન શિવસેનાએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. શિવસેનાના નેતા બાબુરાવ માનેનું કહેવું છે કે ભાજપ સર્જિકલ સ્ટ્રાઈકમાં શહીદ થયેલા જવાનોના નામનો ફાયદો ઉઠાવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાબુરાવે કહ્યું કે પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઈક થઈ હોવા છતાં ભારતીય સરહદે અનેક જવાનો શહીદ થયા છે. પરંતુ ભાજપના નેતાઓ તેમનો ઉલ્લેખ સુદ્ધા પોતાના ભાષણોમાં કરતા નથી. તેમણે કહ્યું કે ભાજપ સર્જિકલ સ્ટ્રાઈકના શહીદોનો ઉલ્લેખ ફક્ત એટલા માટે કરે છે કારણ કે તે તેનો રાજકીય ફાયદો ઉઠાવી રહ્યો છે. 


જોધપુરમાં પરાક્રમ પર્વ પ્રદર્શનનું આયોજન
હકીકતમાં જોધપુરમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરાક્રમ પર્વ પ્રદર્શનનું ઉદ્ધાટન કરવાના છે. આ આયોજન 2016માં નિયંત્રણ રેખા પાર આતંકીઓના લોન્ચ પેડને તબાહ કરવા માટે  કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકની બીજી વર્ષગાઠ પર થઈ રહ્યું છે. આ માટે પીએમ મોદી જોધપુર પહોંચી ગયા છે. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ત્રણેય સેનાના પ્રમુખ પણ તેમની સાથે છે. અત્રે જણાવવાનું કે શુક્રવારથી 30 સપ્ટેમ્બર સુધી દેશમાં પરાક્રમ પર્વની ઉજવણી થઈ રહી છે. 


2016માં ભારતીય સેનાએ કરી હતી સર્જિકલ સ્ટ્રાઈક
2016ના સપ્ટેમ્બર મહિનામાં આતંકીઓએ જમ્મુ અને કાશ્મીરના ઉરી સૈન્ય કેમ્પ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ 28-29 સપ્ટેમ્બરની રાતે ભારતે જમ્મુ અને કાશ્મીરમાં લાઈન ઓફ કંટ્રોલ એટલે કે નિયંત્રણ રેખા પાર કરીને આસપાસના વિસ્તારોમાં પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર એટલે કે POKમાં સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો. સર્જિકલ સ્ટ્રાઈક એક એવું સૈન્ય ઓપરેશન છે જેમાં કોઈ ખાસ લક્ષ્યને નિશાન બનાવવામાં આવે છે. આ ઓપરેશનમાં આતંકી કેમ્પોને તબાહ કરવામાં આવ્યાં હતાં. આ કેમ્પ એલઓસી પર 500 મીટરથી લઈને 2 કિમી સુધીની રેન્જમાં ચાલી રહ્યાં હતાં. ઓપરેશન રાતે 12.30 વાગે શરૂ થયું હતું અને સવારે 4.30 વાગ્યા સુધી ચાલ્યુ હતું. ત્યારબાદ સૈનિકો સકુશળ પાછા પણ આવી ગયા હતાં.