શોપિયાં ફાયરિંગઃ મેજર આદિત્ય સામે એફઆઈઆર દાખલ કરવા વિરુદ્ધની અરજી પર આવતીકાલે સુપ્રીમમાં સુનાવણી
જાન્યુઆરીમાં થયેલી ફાયરિંગની આ ઘટનામાં સેના દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં બે લોકોનાં મોત થયા હતા, જેના પછી સ્થાનિક પોલીસે સેનાના અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરી હતી
નવી દિલ્હીઃ શોપિયાં ફાયરિંગ કેસમાં સેનાના અધિકારી મેજર આદિત્ય વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆર વિરુદ્ધની અરજી પર સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સુનાવણી હાથ ધરાશે. મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રાની અધ્યક્ષતા ધરાવતી બેન્ચ મેજર આદિત્યના પિતા લેફ્ટનન્ટ કર્નલ કરમવીર સિંહની અરજી પર સુનાવણી હાથ ધરશે. છેલ્લી સુનાવણીમાં કોર્ટે મેજર આદિત્ય સામે 21 ઓગસ્ટ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
કેન્દ્ર સરકારે આ કેસને બંધારણિય બેન્ચ સમક્ષ મોકલવાની માગ કરી હતી. વાત એમ છે કે, સુપ્રીમ કોર્ટ કેટલાક સવાલોના જવાબ જાણવા માગે છે. જેમ કે, શું કર્મવીર સિંહની અરજી સુનાવણીને લાયક છે કે નહીં? અને શું સેનાના લોકો પર એફઆઈઆર દાખલ કરતા પહેલાં કેન્દ્રની મંજુરી લેવી પડે કે નહીં?
જમ્મુ-કાશ્મીરની સરકારે અરજીનો વિરોધ કર્યો હતો
આ અગાઉ કર્મવીર સિંહની અરજીનો જમ્મુ-કાશ્મીરની સરકારે વિરોધ કર્યો હતો. જમ્મુ-કાશ્મીરની સરકારે જણાવ્યું હતું કે, સેનાના જવાનો પર એફઆઈઆર દાખલ કરવા પર કોઈ કાયદાકીય પ્રતિબંધ નથી અને કર્મવીર સિંહની અરજી સુનાવણીને લાયક નથી. આથી સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, હવે એ કોર્ટ નક્કી કરશે કે અરજી સુનાવણીને લાયક છે કે નહીં? અને શું સેનાના લોકો પર એફઆઈઆર દાખલ કરતાં પહેલાં કેન્દ્રની મંજુરી લેવી જરૂરી છે કે નહીં?
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ જમ્મુ-કાશ્મીર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, શોપિયાં ફાયરિંગ કેસમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેમાં કોઈનાં નામ લખવામાં આવ્યા નથી. આરોપીઓની કોલમમાં મેજર આદિત્યનાથનું નામ લખાયું નથી. કોર્ટે જણાવ્યું હતું કે, મેજર આદિત્ય એક લશ્કરી અધિકારી છે અને તેમની સાથે સામાન્ય ગુનેગારો જેવો વ્યવહાર કરી શકાય નહીં. જમ્મુ-કાશ્મીર સરકારે જણાવ્યું હતું કે, શું મેજર આદિત્ય કાયદાથી ઉપર છે કે પછી તેમને કોઈની હત્યા કરવાનું લાયસન્સ મળેલું છે?
આ અગાઉ સુપ્રીમે મેજર આદિત્યને રાહત આપી હતી
સુપ્રીમ કોર્ટે 12 ફેબ્રુઆરીના રોજ આદિત્ય સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવા પર વચગાળાનો પ્રતિબંધ લગાવાયો હતો. કોર્ટે આદિત્યના પિતા લેફ્ટનન્ટ કર્નલ કરમવીર સિંહની અરજીની સુનાવણી કરતા કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર સરકારને નોટિસ પાઠવીને બે સપ્તાહના અંદર જવાબ માગ્યો હતો.
આદિત્યના પિતા લેફ્ટનન્ટ કર્મવીર સિંહે અરજી દાખલ કરીને એફઆઈઆર રદ્દ કરવાની માગ કરી છે, સાથે જ પુરતા વળતરની પણ માગ કરી છે, જેથી ભવિષ્યમાં પોતાની ફરજ અદા કરી રહેલા કોઈ પણ સૈનિક અધિકારીને આ રીતે હેરાન-પરેશાન કરવાની કોઈ હિમ્મત ન કરી શકે. અરજીમાં એવા લોકો સામે પણ એફઆઈઆર દાખલ કરવાની અપીલ કરવામાં આવી છે, જે આતંકવાદી ગતિવિધિઓમાં સંડોવાયેલા રહીને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા હતા.
શું છે સમગ્ર મામલો?
27 જાન્યુઆરી, 2018ના રોજ ત્રણ ક્વિક રિએક્શન ટીમ સહિત સેનાની 20 ગાડીઓનો કાફલો શોપિયાંમાં બાલાપુરાથી ધનપરા તરફ જઈ રહ્યો હતો. એ જ સમયે ચાર ગાડીઓ કાફલાથી વિખુટી પડી ગઈ હતી. ત્યારે કટ્ટરવાદીઓની ભીડે ગુસ્સે ભરાઈને પથ્થરમારો શરૂ કર્યો હતો. શરૂઆતમાં સેનાના એક જેસીઓને માથામાં પથરો વાગતાં તે ઘાયલ થઈને પડી ગયો હતો.
ત્યાર બાદ સેનાના જવાનોએ પથ્થરબાજોને ચેતવણી આપી હતી. વારંવાર ચેતવણી આપવા છતાં પણ કોઈ ફરક ન પડતાં સેનાએ હવામાં ફાયરિંગ કરીને ચેતવણી આપી હતી. ત્યાર બાદ સેનાએ આત્મરક્ષા માટે ગોળીબાર કર્યો હતો. આ ગોળિબાર દરમિયાન બે લોકોનાં મોત થયા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી સઈદે સમગ્ર કેસની તપાસના આદેશ આપ્યા હતા. સાથે જ રાજ્યની પોલીસે સેનાના અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરી હતી. ત્યાર બાદ સેનાની 10 ગઢવાલ યુનિટના મેજર કુમાર વિરુદ્ધ રણબીર પીનલ કોડ અંતર્ગત હત્યાની કલમ (302) અને હત્યાનો પ્રયાસ(307) અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો હતો.