COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જયપુરઃ સંજય લીલા ભલસાણીની ફિલ્મ પદ્માવતને લઈને ચાલી રહેલા વિરોધ પુરો થવાની દિશામાં પગલું ભરતા રાજપૂત કરણી સેનાએ ભલસાણી તરફથી ફિલ્મ જોવા માટે મળેલા આમંત્રણનો સ્વીકાર કર્યો છે. રાજપૂત કરણી સેનાના સંરક્ષક લોકેન્દ્ર સિંહ કાલવીએ જણાવ્યું કે, રીલિઝ પહેલા અમે ફિલ્મ જોવા માટે તૈયાર છીએ. અમે ક્યારેય નથી કહ્યું કે અમે ફિલ્મ જોવાના નથી. ફિલ્મ નિર્માતાઓએ એક વર્ષ પહેલા વિશ્વાસ અપાવ્યો હતો કે ફિલ્મની વિશેષ સ્ક્રીનિંગ કરવામાં આવશે અને તેઓએ અમને સ્ક્રીનિંગ વિશે પત્ર લખ્યો તો અમે તૈયાર છીએ. 


ભલસાણી પ્રોડક્શને 20 જાન્યુઆરીએ રાજપૂત કરણી સેના રાજપૂ સભા જયપુરને એક પત્ર લખીને ફિલ્મ જોવા માટે આમંત્રણ આપ્યું હતું. આ પત્રમાં જણાવવામાં આવ્યું કે ફિલ્મમાં રાણી પદ્માવતિ અને અલાઉદ્દીન ખિલજી વચ્ચે કોઈપણ પ્રકારનો પ્રેમ પ્રસંગ બતાવવામાં આવ્યો નથી. 



 કરણી સેનાના પ્રમુખ મળ્યા યોગીને, પદ્માવત પર પ્રતિબંધની કરી માંગ 


રાજપૂત કરણી સેનાના સભ્યોએ સોમવારે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી અને રાજ્યમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની રજૂઆત કરી હતી. રાજપૂત કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહે સાંજે પત્રકારોને જણાવ્યું કે, હું ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાનને મળ્યો અને તેમને ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી. મુખ્યપ્રધાન સાથે 20 મિનિટ મુલાકાત બાદ તેમણે કહ્યું કે જો ઉત્તરપ્રદેશમાં ફિલ્મ રીલિઝ થશે તો જન્તા કફર્યુ લગાવશે. 


કાલવીએ કહ્યું કે તેમણે ફિલ્મમાં 40 બિન્દુઓ પર આપત્તિ છે. મહારાણા પ્રતાપ અને શિવાજી જેવા વ્યક્તિત્વ પર ફિલ્મ બનાવો અને બોક્સ ઓફિસ પર ફિલ્મ બાહુબલીનો રેકોર્ડ તોડો. આ વચ્ચે ગોરખપુરમાં એસઆરએસ સિનેમા હોલની સામે લોકોએ ફિલ્મ પદ્માવતના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. આ લોકોએ ફિલ્મના ડાયરેક્ટર સંજય લીલા ભલસાણીના પુતળાનું દહન કરીને નારેબાજી કરી હતી. 



પદ્માવતના વિરોધમાં ચિત્તોડગઢમાં પ્રસ્તાવિત જૌહર રદ્દ 



રાજસ્થાનના ચિત્તોડગઢમાં વિવાદિત ફિલ્મ પદ્માવતના વિરોધમાં મહિલાઓ દ્વારા પ્રસ્તાવિત જોહરને રદ્દ કરી દેવામાં આવ્યું છે. હવે મહિલાઓએ વડાપ્રધાનને ઈચ્છામૃત્યુની સ્વીકૃતિની માંગ કરી છે. જૌહર સ્વાભિમાન પંચની મહિલાઓએ ફિલ્મ પર પ્રતિબંધ ન લગાવવાની સ્થિતિમાં 24 જાન્યુઆરીએ જૌહર કરવાની જાહેરાત કરી હતી. પરંતુ તેને પરત ખેંચી લેવામાં આવ્યું છે. ચિત્તોડગઢમાં રાજપૂત કરણી સેનાના મહાસચિવ વિશ્વબંધુ સિંહે જણાવ્યું કે, તમામ સમાજની મહિલાઓ 24 જાન્યુઆરીએ જૌહર કરવાના નિર્ણયને રદ્દ કરી દીધો છે. ગઈકાલે એક રેલી કાઢવામાં આવી હતી અને મહિલાઓએ ઈચ્છામૃત્યુની માંગ કરી હતી. તેમણે કહ્યું કે આ રેલીમાં મહિલાઓએ જિલ્લા અધિકારીને આવેદનપત્ર આપ્યું જેમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની વાત કરવામાં આવી છે.