PM મોદી પર સિદ્ધારમૈયાનો પલટવાર, ભાજપ માટે PPPનો અર્થ સમજાવ્યો
સિદ્ધારમૈયાએ પણ ત્રણ પીનો ઉપયોગ કરતા ભાજપને પ્રિજન, પ્રાઇસ રાઇઝ અને પકોડા પાર્ટી ગણાવી.
બેંગલુરૂઃ કર્ણાટક ચૂંટણીમાં આજે વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર તંજ કસતા PPPનો પ્રયોગ કર્યો. પીએમે કહ્યું કે, આ ચૂંટણી બાદ કોંગ્રેસ પંજાબ, પુડુચેરી અને પરિવારમાં સીમિત રહી જશે. પીએમ મોદીના આ વાર પર રાજ્યના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ પલટવાર કર્યો છે.
સિદ્ધારમૈયાએ પણ ત્રણ પીનો ઉપયોગ કરતા ભાજપને પ્રિજન, પ્રાઇસ રાઇઝ અને પકોડા પાર્ટી ગણાવી. મોદીના હુમલા બાદ સિદ્ધારમૈયાએ ટ્વીટ કરીને કહ્યું, પ્રિય મોદીજી, સાંભળ્યું છે કે તમે આજે નવું સંક્ષિપ્ત નામ પીપીપી આપ્યું. શ્રીમાન, અમે હંમેશા ડેમોક્રેસી (લોકતંત્ર)ના ત્રણ પી - ઓફ દ પીપલ, બાય ધ પીપલ, ફોર ધ પીપલ (લોકોનું, લોકો માટે, લોકો દ્વારા)ની હિમાયત કરી છે. જ્યારે તમારી પાર્ટી પ્રિજન, પ્રાઇસ રાઇઝ અને પકોડા પાર્ટી છે. શું હું સાચો છું, મહોદય ?
ઉલ્લેખનીય છે કે આજે વડાપ્રધાન મોદીએ સિદ્ધારમૈયા પર પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે તે કોંગ્રેસ માટે ભ્રષ્ટાચાર ટેન્ક થઈ ગયા છે, જેની પાઇપલાઇન દિલ્હી સાથે જોડાયેલી છે અને જ્યાં પૈસા સીધા પહોંચે છે. પીએમે ગડગમાં એક ચૂંટણી સભામાં કહ્યું કે 15 મે બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઘટીને પીપીપી કોંગ્રેસ એટલે કે પંજાબ, પુડુચેરી અને પરિવાર કોંગ્રેસ રહી જશે. તેમણે કહ્યું કે, રાજ્યની સત્તારૂઢ પાર્ટી આ ચૂંટણીમાં મટિયામેટ થઈ જશે. વડાપ્રધાને કહ્યું કે મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ત્રિપુરામાં એક બાદ એક ચૂંટણી હારવા છતા કોંગ્રેસ ચિંતિત નથી. હવે તેને હાર સ્પષ્ટ નજરે પડી રહી છે.
તેમણે કહ્યું કે, કર્ણાટકમાં તેના મંત્રીઓ તથા નેતાઓએ અહીં એક ટેન્ક બનાવ્યું છે. લોકો પાસેથી લૂંટાયેલા ધનનો એક ભાગ ઘરે લઈ જવામાં આવી છે, જ્યારે બાકીનો આ ટેન્કમાં નાખી દેવામાં આવે છે. ટેન્ક પાઇપલાઇન મારફતે દિલ્હી સાથે જોડાયેલી છે, જે ધન સીધું દિલ્હી પહોંચે છે.