25 દેશોને પછાડી ભારતનું આ રાજ્ય બન્યું દુનિયાનું પ્રથમ 100 ટકા ઓર્ગેનિક સ્ટેટ
16 મે, 1975ના રોજ ભારતીય ગણરાજ્યમાં જોડાયેલા આ રાજ્યમાં છેલ્લા 25 વર્ષથી પવન ચામલિંગના સિક્કિમ ડેમોક્રેકિટ ફ્રન્ટનું શાસન છે, 2016માં પીએમ મોદીએ સિક્કિમને દેશનું પ્રથમ ઓર્ગેનિક રાજ્ય જાહેર કર્યું હતું
નવી દિલ્હી/ન્યુયોર્કઃ ઉત્તરપૂર્વના નાનકડા રાજ્ય સિક્કિમે દુનિયામાં ભારતનું નામ ઊંચું કરી દીધું છે. આજે જ્યારે આખી દુનિયા ખાદ્ય પદાર્થોમાં કેમિકલના વધતા જતા ઉપયોગથી ચિંતિત છે, ત્યારે માત્ર 6 લાખ 10 હજારની વસતી ધરાવતું આ નાનકડું રાજ્ય દુનિયાનું પ્રથમ 100 ટકા ઓર્ગેનિક રાજ્ય બની ગયું છે.
સિક્કિમ 16 મે, 1975ના રોજ ભારતીય ગણરાજ્યમાં જોડાયું હતું. અહીં, છેલ્લા 25 વર્ષથી પવન ચામલિંગના સિક્કિમ ડેમોક્રેકિટ ફ્રન્ટનું શાસન છે, 2016માં પીએમ મોદીએ સિક્કિમને દેશનું પ્રથમ ઓર્ગેનિક રાજ્ય જાહેર કર્યું હતું.
ગુરૂવારે સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (UNFAO)એ કૃષિ તંત્ર અને સતત ખાદ્ય પ્રણાલીને પ્રોત્સાહન આપવા માટે સિક્કિમને 'સર્વશ્રેષ્ઠ નીતિઓનો ઓસ્કર' પુરસ્કાર આપ્યો છે. સિક્કિમ ભારતનું પ્રથમ એવું રાજ્ય છે જ્યાં સંપૂર્ણપણે એટલે કે 100 ટકા જૈવિક ખેતિ કરવામાં આવે છે.
એક નિવેદન અનુસાર પૂર્વત્તરના આ રાજ્યએ 25 દેશની 51 નામાંકિત નીતિઓને પાછળ રાખીને આ પુરસ્કાર જીત્યો છે. બ્રાઝીલ, ડેનમાર્ક અને ક્વિટો (ઈક્વાડોર)ને સિલ્વર મેડલ મળ્યો છે.
સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (એફએઓ), વર્લ્ડ ફ્યુચર કાઉન્સિલ (WFC) અને બિનલાભકારી સંગઠન IFASM- ઓર્ગેનિક ઈન્ટરનેશનલ ભેગા મળીને આ પુરસ્કાર આપે છે. સિક્કિમ લાંબા સમય સુધી માટીની ફળદ્રુપતા, પર્યાવરણ અને પરિસ્થિતીકિય તંત્રના સંરક્ષણ, સ્વસ્થ જીવન અને હૃદય સંબંધિત બિમારીઓના વધતા જોખમને ઘટાડવાના હેતુ સાથે 2003માં જૈવિક ખેતિ અપનાવવાની કાયદેસરની જાહેરાત કરનારો દેશનું પ્રથમ રાજ્ય બન્યું હતું.
પવન ચામલિંગનું જૈવિક ખેતિને પ્રોત્સાહિત કરવાનું આહ્વાન
રોમઃ સિક્કિમના મુખ્યમંત્રી પવન ચામલિંગે સોમવારે જૈવિક ખેતીને વધુને વધુ લોકપ્રિય કરવાની અપીલ કરી છે. આ માટે તેમણે પોતાના રાજ્યનું ઉદાહરણ આપ્યું હતું. ચામલિંગે ઈટાલિયન સંસદના એક રૂમમાં પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે, સિક્કિમને રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરીને સંપૂર્ણપણે જૈવિક ખેતી અપનાવવામાં એક દાયકા કરતાં વધુ સમય લાગ્યો હતો.
તેમણે જણાવ્યું કે, "અહીં મને આમંત્રણ આપવા માટે હું સૌનો આભારી છું. હું કોઈ વૈજ્ઞાનિક કે સંશોધનકર્તા નથી. માત્ર એક નેતા છું, જેણે રાસાયણિક ખાતનો ઉપયોગ કરતા રાજ્યને સંપૂર્ણપણે જૈવિક ખેતી અપનાવનારા રાજ્યમાં તબદિલ કરવાના અભિયાનનું નેતૃત્વ કર્યું છે."
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, "મારા જૂના અનુભવ અને જૈવિક ખેતી સંબંધિત પહેલ સાથે મારા જોડાણના આધારે હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહી શકું છું કે, સમગ્ર દુનિયામાં સંપૂર્ણપણે જૈવિક ખેતી શક્ય છે. જો અમે સિક્કિમ જેવા રાજ્યમાં આમ કરી શકીએ છીએ તો એવું કોઈ કારણ નથી કે દુનિયાના અન્ય સ્થળોએ પણ નીતિ નિર્માતાઓ, ખેડૂતો અને સમાજના નેતાઓ આમ ન કરી શકે."