Sikkim Flood Update: સિક્કિમમાં સૈલાબ એટલો ઝડપથી આવ્યો કે લોકોને જીવ બચાવવાની તક જ ન મળી. આ દરમિયાન હજારો મકાન પૂરમાં વહી ગયા અને આખું શહેર કાટમાળમાં ફેરવાઈ ગયું. હજારો લોકો હજુ પણ અલગ અલગ વિસ્તારોમાં ફસાયેલા છે. જેમને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં આર્મી, વાયુસેના, NDRF અને SDRF સાથે ITBP ની ટીમો પણ દિવસરાત જોડાયેલી છે. સિક્કિમમાં તબાહીના કારણે સેનાના 7 જવાન સહિત 26 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે ગૂમ થયેલા 142 લોકોની સેના-NDRF ની ટીમો શોધ કરી રહી છે. આ બધા વચ્ચે મૃતકના પરિજનોને 4-4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરાઈ છે. સિક્કિમમાં 3 ઓક્ટોબરના રોજ વાદળ ફાટવાથી તબાહી સર્જાઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેવદૂત બન્યા સેનાના જવાન
આ બધા વચ્ચે ITBP નો એક દિલધડક રેસ્ક્યૂ ઓપરેશનનો વીડિયો પણ સામે આવ્યો છે. ઉત્તર સિક્કિમ વિસ્તારમાં 16 હજાર ફૂટની ઊંચાઈ પર પૂરના કારણે 68 લોકો ત્રણ દિવસથી ફસાયેલા હતા. તેમને સુરક્ષિત બહાર કાઢવા એ મોટો પડકાર બની ગયો હતો. ત્યારે જ ITBP ના જવાન આ લોકો માટે દેવદૂત બનીને આવ્યા. ITBP એ રસ્સીની મદદથી રેસ્કયૂ ઓપરેશન ચલાવ્યું અને બધા 68 લોકોને સુરક્ષિત કાઢ્યા. 


સિક્કિમમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
પૂર અને બરબાદી વચ્ચે સેના પણ રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલી છે. રાજ્યમાં અનેક ઠેકાણે રાહત કેમ્પ પણ ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં લોકોની સારવાર સાથે તેમના ખાણીપીણીની વ્યવસ્થા પણ કરાઈ છે. એવા ખબર છે કે લાચેન અને લાચુંગમાં 3 હજારથી વધુ પર્યટકો ફસાયેલા છે જેમનું રેસ્ક્યૂ સેના અને વાયુસેના દ્વારા કરવામાં આવી રહ્યું છે. 


સિક્કિમમાં તબાહીનો મંજર
રાજ્યમાં તીસ્તા નદીમાં ત્રણ દિવસ પહેલા આવેલા પુરથી થયેલી તબાહીનો મંજર હજુ પણ જોવા મળી રહ્યો છ. વાદળ ફાટ્યા બાદ તીસ્તા નદીએ એટલું વિકરાળ સ્વરૂપ લઈ લીધુ કે તેજ પ્રવાહમાં અનેક ગાડીઓ વહી ગઈ જે બચી હતી તે ઉપર સુધી કાટમાળમાં ડૂબી ગઈ. સૈલાબ આવ્યે ત્રણ દિવસ વીતી ગયા પરંતુ બરબાદીના નિશાન  હજુ જોવા મળી રહ્યા છે. કાટમાળ એટલો વધુ છે કે રસ્તા તો ઠીક રસ્તા નજીક આવેલા મકાનના પહેલા માળ સુદ્ધા કિચડમાં દટાયેલા છે. 


ચારેબાજુ કિચડ
તબાહીના 3 દિવસ બાદ પર રસ્તાઓ પર કિચડ જ કિચડ જોવા મળી રહ્યું છે. સ્થિતિ એવી છે કે કાટમાળ ભેગો થઈ જવાના કારણે લોકોના ઘરોના ગેટ પણ જામ થઈ ગયા છે. લોકો સીડીઓની મદદથી ઘરમાં અવરજવર કરે છે. અચાનક આવેલા પૂરથી લોકોમાં હડકંપ મચી ગયો હતો. જેના હાથમાં જે આવયું તે લઈને સુરક્ષિત જગ્યાઓ તરફ જતા રહ્યા. 


ગૂમ થયેલા લોકોની શોધખોળ ચાલુ
સૈલાબમાં અનેક લોકો ફસાયા હતા. જેમાં સેનાના 22 જવાનો પણ સામેલ હતા જેમાંથી 7 ના મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે 15ની શોધ હજુ પણ ચાલુ છે. આ બધા વચ્ચે રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન સેનાની એ ગાડી પણ મળી આવી જે સૈલાબમાં વહી ગઈ હતી. ગૂમ થયેલા લોકોની શોધ અને રસ્તાઓ પરથી કાટમાળ હટાવવા માટે જેસીબી મશીનનો સહારો લેવાઈ રહ્યો છે. 


સિક્કિમમાં આવેલી તબાહીનું કારણ વાદળ ફાટવાની સાથે સાથે ચુંગથાંગ  બંધ તૂટવાને પણ કારણભૂત ગણાવવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સિક્કિમમાં થયેલા નુકસાનનું આકલન કરવા માટે એક કમિટી બનાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે 44 કરોડ રૂપિયાની તત્કાળ મદદની મંજૂરી આપી છે. જો કે સિક્કિમમાં તિસ્તા નદીએ જે તબાહી મચાવી છે જેટલું નુકસાન રાજ્યના સંસાધનને થયું છે તેનાથી બહાર આવતા હજુ લાંબો સમય લાગશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube