Corona: અરવિંદ કેજરીવાલના નિવેદન પર ભારે બબાલ, સિંગાપુરે નારાજગી વ્યક્ત કરી, જાણો શું છે મામલો
કોરોના (Corona) મહામારીને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ના નિવેદન પર હંગામો મચી ગયો છે. સિંગાપુરે કેજરીવાલના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. સિંગાપુર સરકારે આ અંગે બુધવારે ભારતીય રાજદૂતને બોલાવીને પોતાની નારાજગી વ્યક્ત કરી. સિંગાપુરે કહ્યું કે એક મુખ્યમંત્રી તરીકે તથ્યો વગર આ પ્રકારે નિવેદનો આપવા નિરાશાજનક છે.
નવી દિલ્હી: કોરોના (Corona) મહામારીને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ના નિવેદન પર હંગામો મચી ગયો છે. સિંગાપુરે કેજરીવાલના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. સિંગાપુર સરકારે આ અંગે બુધવારે ભારતીય રાજદૂતને બોલાવીને પોતાની નારાજગી વ્યક્ત કરી. સિંગાપુરે કહ્યું કે એક મુખ્યમંત્રી તરીકે તથ્યો વગર આ પ્રકારે નિવેદનો આપવા નિરાશાજનક છે.
Arindam Bagchi એ આપી જાણકારી
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી (Arindam Bagchi) એ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા કોરોનાના નવા વેરિએન્ટ અંગે નિવેદનથી સિંગાપુર નારાજ છે. ત્યાંની સરકારે બુધવારે સિંગાપુરમાં ભારતીય રાજદૂત પી કુમારરન સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી. જો કે ભારતે સિંગાપુરને જણાવ્યું છે કે કેજરીવાલની આ ટિપ્પણી તેમની વ્યક્તિગત ટિપ્પણી હતી અને તે ભારત સરકારની સોચ નથી.
શું કહ્યું હતું કેજરીવાલે?
વાત જાણે એમ છે કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મંગળવારે ટ્વીટ કરીને લખ્યું હતું કે સિંગાપુરમાં આવેલું કોરોનાનું નવું સ્વરૂપ બાળકો માટે ખુબ ખતરનાક કહેવાઈ રહ્યું છે. ભારતમાં તે ત્રીજી લહેર તરીકે આવી શકે છે. કેન્દ્ર સરકારને મારી અપીલ છે કે સિંગાપુર સાથે હવાઈ સેવાઓ તત્કાળ પ્રભાવથી રદ કરવામાં આવે અને બાળકો માટે પણ રસીના વિકલ્પો પર પ્રાથમિકતાના આધારે કામ કરવામાં આવે.
ટ્વિટર ઉપર પણ જતાવ્યો વિરોધ
આ અગાઉ કેજરીવાલના નિવેદન પર ભારતમાં સિંગાપુરના રાજદૂતે પોતાની ટ્વીટમાં લખ્યું કે એ વાતમાં કોઈ સચ્ચાઈ નથી કે સિંગાપુરમાં કોવિડનો નવો સ્ટ્રેન મળ્યો છે. સિંગાપુરમાં ફાઈલોજેનેટિક ટેસ્ટમાં મળેલો B.1.617.2 વેરિએન્ટ બાળકો સહિત કોરોનાના મોટાભાગના મામલાઓમાં પ્રબળ છે. રાજદૂતના અધિકૃત ટ્વિટર હેન્ડલથી કરાયેલા આ ટ્વીટ બાદ દિલ્હીના સીએમ હાલ ખામોશ છે.